<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

બાંગ્લાદેશમાં મહિલાઓ, બાળકો અને લઘુમતીઓની સુરક્ષા સામે ગંભીર ખતરો : ભારતમાં આશરો લઈ રહેલા અને ફિનલેન્ડના હેલસિંકીમાં આયોજિત કાર્યક્રમને વર્ચ્યુઅલ સંબોધન કરતાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની ચેતવણી

હિંસા, અત્યાચાર અને રાજકીય દમન ચરમ સીમાએ : ૩ મહિનામાં ૧૫૪ બાળાઓ સહિત ૨૫૩ મહિલાઓ પર બળાત્કાર થયાનો અને બળાત્કાર બાદ ૧૨ પીડિતાઓની હત્યા દાવો : ભયાનક રોગચાળો, ઓરીના કારણે ૧,૨૫૦થી વધુ બાળકોનાં મોત થયાંનો ધડાકો: યુનો અને આંતરરાષ્ટ્રીય સમુદાયને હસ્તક્ષેપ માટે હાકલ

નવી દિલ્હી/ઢાકા, તા. ૩ : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો ગંભીર આક્ષેપ કરતાં મહિલાઓ, બાળકો અને ધાર્મિક લઘુમતીઓની સુરક્ષા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે બાંગ્લાદેશમાં રાજકીય દમન, કટ્ટરવાદ અને અસુરક્ષાનું વાતાવરણ વધી રહ્યું છે તથા સામાન્ય નાગરિકોના લોકશાહી અધિકારો જોખમમાં મુકાયા છે.

 

ફિનલેન્ડના હેલસિંકીમાં આયોજિત કાર્યક્રમને બીજી નવેમ્બરે વર્ચ્યુઅલ સંબોધન કરતાં હસીનાએ જણાવ્યું હતું કે માનવાધિકાર અહેવાલ મુજબ જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન ૨૫૩ મહિલાઓ અને બાળાઓ બળાત્કારનો ભોગ બની હતી. તેમાં ૧૫૪ બાળકોનો સમાવેશ થાય છે અને બળાત્કાર બાદ ૧૨ પીડિતાઓની હત્યા થઈ હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. માર્ચથી અત્યાર સુધીમાં ઓરીના કારણે ૧,૨૫૦થી વધુ બાળકોનાં મોત થયાં હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. આ આંકડાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

 

હસીનાએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં સેંકડો કારખાનાં બંધ થતાં હજારો લોકોની રોજગારી છીનવાઈ છે. તેમણે પોતાની અવામી લીગ સામેની કાર્યવાહી અને રાજકીય વિરોધીઓ પરના દમનને બંધ કરવાની માંગણી કરી હતી.

 

વર્ષ ૨૦૨૪માં સત્તા ગુમાવ્યા બાદ ભારત ખાતે રહેતાં હસીનાએ સંયુક્ત રાષ્ટ્ર, યુરોપિયન યુનિયન અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોને બાંગ્લાદેશની સ્થિતિ પ્રત્યે ધ્યાન આપવા અપીલ કરી છે.

 

તેમણે મહિલાઓ, બાળકો અને ધાર્મિક લઘુમતીઓને સમાન કાનૂની રક્ષણ આપવા, રાજકીય કેદીઓને મુક્ત કરવા તથા અવામી લીગ પરના પ્રતિબંધો દૂર કરવા માંગણી કરી હતી. દેશના તમામ નાગરિકો ભયમુક્ત વાતાવરણમાં જીવન જીવી શકે તેવી લોકશાહી વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત ઉપર તેમણે ભાર મૂક્યો હતો. જ

(12:56 PM IST)