<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

સોશિયલ મીડિયા પર સરનામું શેર કરવું ઇન્ફ્લુએન્સરને પડ્યું ભારે: દીવાળીમાં મીઠાઈના બદલે ઘરે પહોંચ્યા ફ્રિજ-ટીવીના ઓર્ડરો, આખરે છોડવું પડ્યું શહેર

માત્ર અડધા કલાકમાં ૧૫ થી વધુ મોંઘા સામાનના ઓર્ડર આવતાં સર્જાઈ અરાજકતા: કેશ ઓન ડિલિવરીથી પરેશાન યુવકે ઘરને તાળું મારી દીધું

મદુરાઈ, તા. ૧૫: દિવાળીના પાવન અવસરે લોકો એકબીજાને મીઠાઈઓ અને ભેટ સોગાદો આપીને ખુશીઓ વહેંચતા હોય છે, પરંતુ તમિલનાડુના મદુરાઈમાં રહેતા એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વીરમણિ સાથે બનેલી એક વિચિત્ર ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. દિવાળીના તહેવાર પર પોતાના ફોલોઅર્સ પાસેથી મીઠાઈનું બોક્સ મળવાની ભોળી આશા સાથે વીરમણિએ પોતાનું ઘરનું સરનામું અને મોબાઈલ નંબર સોશિયલ મીડિયા પર શેર કરી દીધો હતો, જે તેના માટે મોટી મુસીબતનું કારણ બની ગયો.

વીરમણિએ પોતાના એકાઉન્ટ પર સરનામું જાહેર કર્યા બાદ કેટલાક અસામાજિક કે મજાકિયા તત્વોએ તેની સાથે ચેડાં કરવાનું શરૂ કરી દીધું હતું. લોકોએ તેના નામ અને સરનામે મીઠાઈના બદલે ટીવી, ફ્રિજ, એર કન્ડિશનર (એસી), વોશિંગ મશીન અને સ્માર્ટફોન જેવી અત્યંત મોંઘી વસ્તુઓના ઓર્ડર આપવા માંડ્યા હતા. આ તમામ ઓર્ડર 'કેશ ઓન ડિલિવરી' (COD) મોડ પર કરવામાં આવ્યા હોવાથી ડિલિવરી સમયે લાખો રૂપિયા ચૂકવવાની ગંભીર જવાબદારી સીધી વીરમણિના માથા પર આવીને ઊભી રહી ગઈ હતી.

પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે માત્ર અડધા કલાકના ટૂંકા ગાળામાં જ તેના ઘરના સરનામે ૧૫ થી વધુ ભારે-ભરખમ ઓર્ડર આવી પહોંચ્યા. આશ્ચર્યજનક બાબત તો એ હતી કે તેમાં એક એક ટીવીના ઓર્ડરની કિંમત જ આશરે ₹૧.૬૯ લાખ જેટલી હતી. આટલી બધી કિંમતી ચીજવસ્તુઓ ખરીદવા માટે પોતાની પાસે નાણાં ન હોવાને કારણે વીરમણિ ગભરાઈ ગયો હતો. આ ઉપરાંત, વિવિધ ફૂડ ડિલિવરી એપ્સના એજન્ટો પણ ખાવાના ઓર્ડર લઈને તેના ઘરના દરવાજે લાઇન લગાવીને ઊભા રહી ગયા હતા.

પોતાની આ આપવીતી જણાવતા વીરમણીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો અને લોકોને આવા ખોટા અને હેરાનગતિ કરતા ઓર્ડર આપવાનું બંધ કરવા માટે હાથ જોડીને આજીજી કરી હતી. જોકે, તેની અપીલ છતાં ઓર્ડર આવવાનું ચાલુ જ રહ્યું હતું. સતત આવતા ડિલિવરી બોય્ઝ અને પાડોશીઓમાં ઊભી થયેલી નકારાત્મક પરિસ્થિતિથી કંટાળીને આખરે વીરમણિએ મદુરાઈ છોડીને અજ્ઞાત સ્થળે જતા રહેવાનો નિર્ણય કર્યો હતો.

સ્થાનિક પડોશીઓએ મીડિયાને જણાવ્યું હતું કે આ અણધારી અને પરેશાન કરતી ઘટના બાદ વીરમણિના ઘરને કાયમી તાળું મારી દેવામાં આવ્યું છે અને તે ઘર ખાલી કરીને ક્યાંક ચાલ્યો ગયો છે. આ બનાવ સોશિયલ મીડિયા પર પોતાની વ્યક્તિગત માહિતી, ફોન નંબર કે ઘરનું સરનામું સાર્વજનિક કરતા પહેલા કેટલું સાવચેત રહેવું જોઈએ તેનો એક મોટો અને લાલબત્તી સમાન કિસ્સો બની ગયો છે.

(4:32 PM IST)