તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Friday, 24th July 2026
રણનું તાપમાન પચાસ ડિગ્રીને વટાવતા ‘રણના જહાજ’ પર સંકટ: આફ્રિકા અને મધ્ય પૂર્વમાં ભારે ગરમીથી ઊંટોના મોત
સદીઓથી વિષમ વાતાવરણ સામે ઝઝૂમતા ઊંટો પણ ક્લાયમેટ ચેન્જ સામે લાચાર; ડિહાઇડ્રેશન, ત્વચા દાઝી જવી અને ફોલ્લા પડવા જેવા લક્ષણોથી પશુપાલકો ચિંતિત

નવી દિલ્હી, તા.૨૪: સદીઓથી જે પ્રાણીને કાળઝાળ ગરમી, પાણીની અછત અને અનંત રેતીના પટ વચ્ચે ટકી રહેવા માટે ‘રણનું જહાજ’ કહેવામાં આવે છે, તે ઊંટ પણ હવે ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન સામે લાચાર બની રહ્યા છે. ઉત્તર આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં રણનું તાપમાન તમામ મર્યાદાઓ વટાવીને પચાસ ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી જતાં આ અતિ સ્થિતિસ્થાપક પ્રાણીઓ હવે તીવ્ર હીટસ્ટ્રોક, થાક અને ડિહાઇડ્રેશનનો ભોગ બનીને દમ તોડી રહ્યા છે.
પર્યાવરણ નિષ્ણાતોના મતે, ઊંટ સામાન્ય રીતે ૪૦°C સુધીનું તાપમાન સરળતાથી સહન કરી શકે છે. પરંતુ સતત વધતી ગરમી, છાંયડાનો અભાવ અને પીવાના પાણીની અછતને કારણે તેમની સહનશક્તિ પણ હવે ખૂટી રહી છે.
પશુપાલકો પર આર્થિક અને ભાવનાત્મક સંકટ
આફ્રિકાના હોર્ન અને ઉત્તર આફ્રિકન પ્રદેશોમાં રણના અંતરિયાળ વિસ્તારોમાં મીઠા સહિતના માલસામાનના પરિવહન માટે ઊંટ જ એકમાત્ર આશરો છે. ભૂતકાળમાં વારંવાર પડતા દુષ્કાળ સામે ગાયો ટકી ન શકતા અનેક પરિવારોએ ગાયો છોડીને ઊંટ પાળવાનું શરૂ કર્યું હતું. પરંતુ હવે બગડતી આબોહવાને કારણે ઊંટો પણ મરી રહ્યા છે.
ઉત્તર-પૂર્વ ઇથોપિયાના પશુપાલક અલી ઉમેરે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "ગરમ રેતીના કારણે ઊંટોના પગમાં ફોલ્લા પડી જાય છે, તેમની આંખોમાંથી પાણી વહે છે અને તેમની ત્વચા દાઝી જાય છે. છેલ્લા એક જ મહિનામાં મેં ભારે ગરમીના કારણે મારા ૮ નાના ઊંટના બચ્ચાઓ ગુમાવ્યા છે."
કેમ નિષ્ફળ જઈ રહ્યા છે કુદરતી અનુકૂલન?
યુએન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) ના વૈજ્ઞાનિક ડૉ. મોહમ્મદ બેનગૌમીના જણાવ્યા અનુસાર, સહારાના ઘણા ભાગોમાં તાપમાન હવે નિયમિતપણે ૫૦°C ને વટાવી જાય છે. ઊંટ પાસે તેમની ચામડી અને પસીનો ન થવાની કુદરતી ક્ષમતા હોય છે, પરંતુ જ્યારે તાપમાન તેમની સહનશીલતા મર્યાદાથી બહાર જતું રહે છે ત્યારે તેઓ પણ ગંભીર ગરમીના તાણ (Heat Stress) નો શિકાર બને છે. ચરાઈ માટે જમીન ઘટી રહી હોવાથી અને પીવાનું પાણી ન મળવાથી ઊંટોનું અસ્તિત્વ હવે મોટા જોખમમાં મુકાયું છે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
