<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

૨૦ હજાર મેટ્રિક ટન LPG ભરેલું જહાજ ‘જગ વિક્રમ' ગુજરાત પહોંચ્‍યું

હોર્મુઝની સામુદ્રધૂનીમાં ચાલી રહેલી નાકાબંધી વચ્‍ચે ભારત માટે ખૂબ જ રાહતના સમાચાર

કંડલા,તા.૧૫: અમેરિકા અને ઈરાન વચ્‍ચેના યુદ્ધના તણાવ અને હોર્મુઝની સામુદ્રધૂનીમાં ચાલી રહેલી નાકાબંધી વચ્‍ચે ભારત માટે ખૂબ જ રાહતના સમાચાર આવ્‍યા છે. ભારતીય એલપીજી ટેન્‍કર ‘જગ વિક્રમ' ૨૦,૦૦૦ મેટ્રિક ટન રાંધણ ગેસ (LPG) લઈને સુરક્ષિત રીતે ગુજરાતના કંડલા પોર્ટ પર પહોંચી ગયું છે.ઉલ્‍લેખનીય છે કે, અમેરિકા અને ઈરાન વચ્‍ચે બે સપ્તાહના કામચલાઉ સંઘર્ષ વિરામ (Ceasefire) ની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ હોર્મુઝની સામુદ્રધૂની જેવા સંવેદનશીલ દરિયાઈ માર્ગને પાર કરનારું 'જગ વિક્રમ' પ્રથમ ભારતીય જહાજ બન્‍યું છે. શુક્રવાર અને શનિવારની વચ્‍ચે આ જહાજે હોર્મુઝ પાર કર્યું હતું અને આજે બુધવારે તે સફળતાપૂર્વક કંડલા બંદરે લાંગર્યું છે.

માર્ચ મહિનાની શરૂઆતથી અત્‍યાર સુધીમાં પર્શિયન ગલ્‍ફ (ફારસની ખાડી) માંથી બહાર નીકળનારું આ માત્ર નવમું ભારતીય જહાજ છે. હજુ પણ લગભગ ૧૫ જેટલા ભારતીય ધ્‍વજ ધરાવતા જહાજો આ વિસ્‍તારમાં અટવાયેલા છે અને પરિસ્‍થિતિ સામાન્‍ય થવાની રાહ જોઈ રહ્યા છે. 'જગ વિક્રમ' એક મધ્‍યમ કદનું ગેસ વાહક જહાજ છે, જેની વહન ક્ષમતા ૨૬,૦૦૦ ટનથી વધુ છે, જેમાંથી તે હાલ ૨૦,૦૦૦ ટન LPG ભારત લાવ્‍યું છે.વૈશ્વિક તણાવની અસર હોર્મુઝની સામુદ્રધૂનીમાં અમેરિકી નૌકાદળની નાકાબંધીને કારણે છેલ્‍લા ઘણા સમયથી ગેસ અને તેલના પુરવઠા પર અસર પડી હતી. આવી સ્‍થિતિમાં ભારતીય જહાજનું સુરક્ષિત આગમન એ ભારત સરકાર અને ઉર્જા મંત્રાલય માટે મોટી જીત સમાન માનવામાં આવી રહ્યું છે. 

(3:56 PM IST)