<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

મુંબઈના વસઈમાં ચકચારી 'ડ્રમ મર્ડર': પ્રેમિકા સાથે પકડાતા પતિએ મિત્ર આરબાઝની હત્યા કરી, લાશના ટુકડા ગટરમાં ફેંક્યા

પત્નીની ગેરહાજરીમાં ઘરે પ્રેમિકાને બોલાવી, આરબાઝે જોઈ જતા પાઇપથી મારી નાખ્યો; પોલીસે CCTVના આધારે પતિ-પ્રેમિકાની ધરપકડ કરી, ડ્રમમાંથી મૃતદેહ રીકવર

 

 

મુંબઈ, તા. 15 : મુંબઈના વસઈ વિસ્તારમાંથી હચમચાવી દે તેવો 'ડ્રમ મર્ડર' કેસ પ્રકાશમાં આવ્યો છે. વસઈમાં રહેતા એક પતિએ તેની પ્રેમિકા સાથે મળીને પોતાના જ મિત્ર આરબાઝની નિર્દયતાથી હત્યા કરી નાખી. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહના ટુકડા કરી ડ્રમમાં ભરીને વસઈની ગટરમાં ફેંકી દેવામાં આવ્યા હતા. આરબાઝ ગુમ થયાની ફરિયાદ બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને CCTV ફૂટેજ તેમજ મોબાઈલ લોકેશનના આધારે આરોપી પતિ સુધી પહોંચી ગઈ. પોલીસે આરોપી પતિ અને તેની પ્રેમિકાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

પોલીસ તપાસ મુજબ, આરોપીની પત્ની થોડા દિવસ માટે બહારગામ ગઈ હતી. તેની ગેરહાજરીમાં પતિ તેની પ્રેમિકાને ઘરે લઈ આવ્યો હતો. એ જ સમયે તેનો મિત્ર આરબાઝ અચાનક ઘરે આવી પહોંચ્યો અને બંનેને વાંધાજનક હાલતમાં જોઈ ગયો. આરબાઝે આ સંબંધનો વિરોધ કરતા વાતનો ભાંડો ફૂટી જવાના ડરથી પતિ અને તેની પ્રેમિકાએ ભેગા મળીને આરબાઝ પર લોખંડના પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો. આરબાઝનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. 

 

ત્યારબાદ બંને આરોપીઓએ પુરાવાનો નાશ કરવા માટે લાશના ટુકડા કરી એક ડ્રમમાં ભરી દીધા અને મોડી રાત્રે વસઈ વિસ્તારની ગટરમાં ફેંકી દીધા હતા. બીજી તરફ આરબાઝ ઘરે ન પહોંચતા પરિવારે શોધખોળ બાદ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ દરમિયાન શકમંદ પતિની સઘન પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલી લીધો હતો. પોલીસે તેની નિશાનદેહીના આધારે ગટરમાંથી ડ્રમમાંથી લાશના ટુકડા રીકવર કર્યા છે અને હત્યામાં વપરાયેલ હથિયાર પણ કબજે કર્યું છે.

 

આ ચકચારી હત્યા કેસને પગલે સમગ્ર વસઈ પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. વસઈ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

(4:47 PM IST)