News of Tuesday, 21st April 2026
મુંબઈમાં થથરાવી દે તેવી ઘટના: CST નજીક એક જ ટ્રેક પર બે ટ્રેનો સામસામે આવી ગઈ, મોટરમેનની સતર્કતાથી હજારો મુસાફરોના જીવ બચ્યા
સેન્ટ્રલ લાઇન પર સિગ્નલિંગની ખામી કે માનવીય ભૂલ? બદલાપુર લોકલ ખોટા પ્લેટફોર્મ પર ઘૂસી જતાં અફરાતફરી, કલાકો સુધી રેલવે વ્યવહાર ખોરવાયો

મુંબઈ, તા.૨૧: મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં આજે એક એવી ભયાનક ક્ષણ સર્જાઈ જેણે રેલવે તંત્ર અને મુસાફરોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) નજીક સેન્ટ્રલ લાઇન પર બે લોકલ ટ્રેનો એક જ ટ્રેક પર સામસામે આવી જતાં મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. મોટરમેને સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બ્રેક મારી દેતા હજારો મુસાફરોના જીવ બચી ગયા હતા, પરંતુ આ ઘટનાએ રેલવે સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
શું બની હતી સમગ્ર ઘટના?
બપોરના આશરે ૩.૧૮ વાગ્યાની આસપાસ, બદલાપુરથી આવતી એક સર્વિસ ટ્રેનને પ્લેટફોર્મ નંબર ૪ પર લેવાની હતી, પરંતુ ટેકનિકલ ખામી કે રૂટ ડાયવર્ઝનને કારણે તે પ્લેટફોર્મ નંબર ૫ પર ધસી ગઈ હતી. આ પ્લેટફોર્મ પર પહેલેથી જ બીજી એક લોકલ ટ્રેન ઉભી હતી.
- મોટરમેનની સતર્કતા: એક જ ટ્રેક પર સામે ટ્રેન જોતા જ મોટરમેને તાત્કાલિક ઈમરજન્સી બ્રેક લગાવી દીધી હતી. બંને ટ્રેનો એકબીજાની અત્યંત નજીક આવીને ઉભી રહી ગઈ હતી. જો આ ટક્કર થઈ હોત તો મુંબઈના રેલવે ઇતિહાસની આ એક મોટી હોનારત સાબિત થઈ હોત.
રેલવે વ્યવહાર અને મુસાફરોની હાલાકી
આ ગંભીર ભૂલને કારણે સેન્ટ્રલ રેલવેના પ્લેટફોર્મ ૫ થી ૮ સુધીનો વ્યવહાર તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવ્યો હતો.
- ટ્રેનોનો વિલંબ: સવારથી જ મધ્ય અને હાર્બર રેલવે પર ટ્રેનો મોડી ચાલી રહી હતી, તેમાં આ ઘટનાએ 'બળતામાં ઘી' હોમવાનું કામ કર્યું. મુસાફરોએ કલાકો સુધી પ્લેટફોર્મ પર ખીચોખીચ ભીડમાં રાહ જોવી પડી હતી.
- ટેકનિકલ કામની અસર: કસારા રૂટ પર પ્રી-ઇન્ટરલોકિંગ કાર્ય અને ડોમ્બિવલી પાસે અગાઉ થયેલા પાટા પરથી ઉતરી જવાના બનાવને કારણે રેલવે સેવાઓ પહેલેથી જ ૨૦ મિનિટથી વધુ મોડી ચાલી રહી હતી.
મુસાફરોનો આક્રોશ
સીબીડી બેલાપુર અને પનવેલ જેવા સ્ટેશનો પર મુસાફરોને અધવચ્ચે ઉતારી દેવામાં આવ્યા હતા, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ડોમ્બિવલી પાસે ખાલી કોચ પાટા પરથી ઉતરી જવાના ૨૪ કલાકમાં જ આ બીજી મોટી બેદરકારી સામે આવતા મુસાફરો હવે રેલવે સુરક્ષા અંગે ચિંતિત છે. હાલમાં ટ્રેનોને પાછી ખેંચી લેવામાં આવી છે અને વ્યવહાર ધીમે ધીમે પૂર્વવત થઈ રહ્યો છે, પરંતુ આ ઘટનાએ મુંબઈગરાઓને લાંબા સમય સુધી યાદ રહે તેવો ફાળકો આપ્યો છે.
(5:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
