<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

યુક્રેન યુદ્ધ વચ્ચે ચોંકાવનારો ઘટસ્ફોટ:પશ્ચિમી દેશોમાંથી હાંકી કઢાયેલ રશિયન જાસૂસોએ હવે જાપાનને નવો અડ્ડો બનાવ્યો

આ જાસૂસો જાપાનની આધુનિક ટેકનોલોજી અને પુર્જાઓ મેળવવા માટે સક્રિય :યુક્રેનનો દાવો છે કે, રશિયા દ્વારા વપરાતા 90% મિસાઈલ અને ડ્રોનમાં જાપાનમાં બનેલા સ્પેરપાર્ટ્સ મળ્યા

યુક્રેન યુદ્ધ વચ્ચે એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.પશ્ચિમી દેશોમાંથી હાંકી કાઢવામાં આવેલા રશિયન જાસૂસો હવે જાપાનને પોતાનો નવો અડ્ડો બનાવી રહ્યા છે. એક ન્યૂઝ રિપોર્ટના અહેવાલ મુજબ, આ જાસૂસો જાપાનની આધુનિક ટેકનોલોજી અને પુર્જાઓ મેળવવા માટે સક્રિય થયા છે. યુક્રેનનો દાવો છે કે, રશિયા દ્વારા વપરાતા 90% મિસાઈલ અને ડ્રોનમાં જાપાનમાં બનેલા સ્પેરપાર્ટ્સ મળી આવ્યા છે. આ પાર્ટ્સ સામાન્ય રીતે નાગરિક ઉપયોગ માટે હોય છે, પરંતુ તેનો ઉપયોગ રશિયા પોતાના હથિયારો સરંજામમાં કરીને યુદ્ધને વધુ ઘાતક બનાવી રહ્યું છે.

 

ટોક્યોમાં રશિયાની સૈન્ય ગુપ્તચર એજન્સીની '20મી ડિરેક્ટોરેટ' યુનિટ સક્રિય હોવાનું બહાર આવ્યું છે. આ એજન્ટો વ્યવસાયી કે રાજદ્વારી બનીને જાપાની કંપનીઓનો સંપર્ક કરે છે અને ગેરકાયદેસર રીતે ટેકનોલોજી મેળવે છે. ખાસ કરીને એરોફ્લોટ જેવી સરકારી સંસ્થાઓના કર્મચારીઓના વેશમાં આ જાસૂસો લાંબા સમયથી કાર્યરત હતા. લાંબા સમયથી જાપાનને 'જાસૂસો માટેનું સ્વર્ગ' ગણવામાં આવે છે, કારણ કે ત્યાંના કાયદા અને કાઉન્ટર-ઈન્ટેલિજન્સ વ્યવસ્થા અન્ય દેશોની સરખામણીએ નબળી રહી છે. જોકે, હવે જાપાન સરકાર આ ખતરાને ગંભીરતાથી લઈ રહી છે અને પોતાની સુરક્ષા વ્યવસ્થાને સજ્જ કરી રહી છે.

 

જાપાન હવે આ જાસૂસી નેટવર્કને તોડવા માટે મોટું પગલું ભરી રહ્યું છે. દેશમાં નેશનલ ઇન્ટેલિજન્સ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી છે અને 2026માં નવો 'એન્ટી-એસ્પિયોનેજ' કાયદો લાવવાની તૈયારી છે, જે વિદેશી જાસૂસો પર કડક લગામ કસશે. યુક્રેને જાપાનને એવા પુરાવા પણ આપ્યા છે જે સાબિત કરે છે કે જાપાની ટેકનોલોજીનો ઉપયોગ રશિયન હથિયારોમાં થઈ રહ્યો છે. પશ્ચિમી દેશો સાથે મળીને જાપાન હવે આ ટેકનોલોજી રશિયા સુધી પહોંચતી અટકાવવા મથામણ કરી રહ્યું છે, જેથી યુદ્ધમાં રશિયાની આક્રમકતાને ઓછી કરી શકાય... આ મામલો વૈશ્વિક સુરક્ષા માટે એક મોટો પડકાર બની ગયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

 

(2:00 PM IST)