તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Monday, 23rd November 2026
ઇન્દોરમાં પિતા અને બહેનની હત્યાના ડબલ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો:પાંચ મહિનાથી બંનેની હત્યાનું ઘડ્યું હતું કાવતરું!
પોલીસ તપાસમાં આરોપી હર્ષનું છેલ્લું લોકેશન દિલ્હી અને ત્યારબાદ અંબાલામાં મળ્યું :પકડાયેલા સગીર સાથી પાસેથી પણ પોલીસને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી

મધ્યપ્રદેશના ઇન્દોરમાં પિતા અને બહેનની હત્યાના ચકચારી ડબલ મર્ડર કેસમાં ફરાર આરોપી હર્ષ યાદવને શોધવા પોલીસની ટીમો સતત દોડધામ કરી રહી છે. જોકે, આરોપી વારંવાર પોતાનું લોકેશન બદલી પોલીસને ચકમો આપી રહ્યો છે. તપાસ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે હર્ષે હત્યાના આશરે ચારથી પાંચ મહિના પહેલાંથી જ મિત્રો અને સંબંધીઓ સાથે સંપર્ક ઓછો કરી દીધો હતો.
મળતી માહિતી મુજબ, ઇન્દોરના એરોડ્રોમ વિસ્તારમાં બનેલા આ બેવડા હત્યાકાંડમાં આરોપી હર્ષ યાદવ પર પોતાની બહેન હર્ષિતા યાદવ અને પિતા રાજુ યાદવની હત્યા કરવાનો આરોપ છે. બહેનની હત્યા કલાણી નગરના ફ્લેટમાં, જ્યારે પિતાની હત્યા હાટોડ વિસ્તારમાં કરવામાં આવી હતી. ત્યારથી હર્ષ ફરાર છે.
પોલીસે આરોપીના મોબાઇલની કોલ ડિટેઇલ્સ તપાસતાં જાણવા મળ્યું કે તેણે છેલ્લા ચારથી પાંચ મહિનાથી પોતાના મિત્રો સાથે વાતચીત લગભગ બંધ કરી દીધી હતી. સંબંધીઓ સાથેનો સંપર્ક પણ ઓછો કરી દીધો હતો. આ બાબતને આધારે પોલીસ હત્યાના કાવતરાની સમયરેખા અને તેની પૂર્વતૈયારીઓની તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં આરોપીનું છેલ્લું લોકેશન દિલ્હી અને ત્યારબાદ અંબાલામાં મળ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસની ટીમોએ સ્થાનિક પોલીસની મદદથી અનેક સ્થળોએ તપાસ કરી, પરંતુ હજુ સુધી આરોપી હાથ લાગ્યો નથી.
આ કેસમાં પકડાયેલા સગીર સાથી પાસેથી પણ પોલીસને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી છે. હર્ષ અગાઉ ચાઇનીઝ ફૂડ કૂક તરીકે કામ કરતો હતો. તેથી તે કોઈ હોટલ કે રેસ્ટોરન્ટમાં કામ કરતો હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પણ તપાસ ચાલી રહી છે. હાલ પોલીસ આરોપીને ઝડપી પાડવા માટે તમામ સંભવિત પાસાઓની તપાસ કરી રહી છે.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
