News of Monday, 13th July 2026
વિમાન પ્રવાસીઓને મોટી રાહતના સંકેત: મનસ્વી ભાડાં અને એક્સ્ટ્રા ચાર્જ વસૂલતી એરલાઇન્સ પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ
ખાનગી કંપનીઓની દાદાગીરી અને લૂંટફાટ બંધ કરાવવા સર્વોચ્ચ અદાલતનો કેન્દ્ર સરકારને મોટો આદેશ : ૨ અઠવાડિયામાં નવા નિયમોનો ડ્રાફ્ટ સીલબંધ પરબિડીયામાં રજૂ કરવા આદેશ આપતા ઉડ્ડયન ક્ષેત્રમાં ભારે હલચલ

નવી દિલ્હી: હવાઈ મુસાફરી કરતા લાખો પ્રવાસીઓ માટે એક અત્યંત રાહતજનક અને મોટા સમાચાર સામે આવ્યા છે. તહેવારો, વેકેશન કે ઈમરજન્સીના સમયે મનફાવે તેમ ભાડાં વધારી દેતી અને સીટ સિલેક્શન કે સામાનના નામે આડેધડ વધારાના ચાર્જ વસૂલતી ખાનગી એરલાઇન્સ કંપનીઓ પર હવે લગામ કસાવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટે એરલાઇન્સ કંપનીઓની આ અણધારી કિંમતો અને ઉઘાડી લૂંટ વિરુદ્ધ દાખલ થયેલી એક અરજી પર સુનાવણી કરતા સોમવારે કેન્દ્ર સરકારને સખત આદેશ આપ્યો છે. કોર્ટે સરકારને ભારતીય વિમાન અધિનિયમ, ૨૦૨૪ હેઠળ તૈયાર કરાયેલા નવા નિયમો આગામી બે સપ્તાહની અંદર કોર્ટ સમક્ષ રજૂ કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે.
ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની ખંડપીઠે આ મામલે કડક વલણ અપનાવતા કહ્યું કે, સરકાર આ નિયમોને સીલબંધ પરબિડીયામાં તાત્કાલિક કોર્ટને સોંપે, ભલે તે હજુ સંસદ સમક્ષ રજૂ થવાના બાકી હોય. કેન્દ્ર સરકાર તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, મનસ્વી ભાડાં અને એરલાઇન્સ પર અંકુશ લાવવા માટેના ડ્રાફ્ટ નિયમો સંપૂર્ણ રીતે તૈયાર છે અને હાલમાં તેનું સત્તાવાર ભાષાંતર ચાલી રહ્યું છે. સરકારના આ જવાબ બાદ કોર્ટે કાયદાકીય પ્રક્રિયા ઝડપી બનાવવા માટે બે અઠવાડિયાની આખરી સમયમર્યાદા નક્કી કરી આપી છે.
વાસ્તવમાં, જાન્યુઆરી ૨૦૨૫થી અમલમાં આવેલા 'ભારતીય વિમાન અધિનિયમ, ૨૦૨૪' નો મુખ્ય હેતુ દેશના એવિએશન સેક્ટરને આધુનિક બનાવવાનો છે, પરંતુ તેના કડક નિયમો હજુ સુધી જાહેર ન થવાને કારણે ખાનગી કંપનીઓ બેફામ બની હતી. અરજદારે કોર્ટમાં દલીલ કરી છે કે મજબૂત અને સ્વતંત્ર ઉડ્ડયન નિયમનકાર ના અભાવે એરલાઇન્સ કંપનીઓ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને ટિકિટના ભાવ આસમાને પહોંચાડી દે છે. હવે જો સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ આ નિયમો લાગુ થશે, તો વિમાન પ્રવાસીઓને ટિકિટ બુકિંગમાં વધુ પારદર્શિતા મળશે અને એરલાઇન્સની દાદાગીરીનો અંત આવશે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
