News of Thursday, 9th July 2026
યુએસ શ્રમ બજારમાં સ્થિરતાના સંકેત: બેરોજગારીના દાવા ઘટીને ૨.૧૫ લાખ પર, છટણીનું પ્રમાણ ઐતિહાસિક રીતે નીચું રહેતા અમેરિકન અર્થતંત્રને મળી રાહત
જૂન મહિનામાં ભરતીની ગતિ ધીમી પડ્યા છતાં બેરોજગારી દરમાં ઘટાડો: માઇક્રોસોફ્ટ જેવી દિગ્ગજ કંપનીઓમાં છટણી વચ્ચે પણ અમેરિકન જોબ માર્કેટ મજબૂત

વોશિંગ્ટન : અમેરિકન અર્થતંત્ર અને તેના શ્રમ બજાર માટે એક મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબરના તાજેતરના અહેવાલ મુજબ, ૪ જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહમાં બેરોજગારી લાભ માટે અરજી કરનારા અમેરિકનોની સંખ્યા ૨,૦૦૦ ઘટીને ૨,૧૫,૦૦૦ પર આવી ગઈ છે. નિષ્ણાતો ૨,૨૦,૦૦૦ અરજીઓની ધારણા સેવી રહ્યા હતા, પરંતુ તેના કરતા ઓછા દાવા નોંધાતા અમેરિકન જોબ માર્કેટમાં છટણીનું પ્રમાણ હજુ પણ ઐતિહાસિક રીતે સ્વસ્થ સ્તરે હોવાનું સાબિત થયું છે.
કોઈપણ દેશના અર્થતંત્રના સ્વાસ્થ્યને માપવા માટે બેરોજગારીના સાપ્તાહિક દાવાઓને એક મુખ્ય સૂચક માનવામાં આવે છે. મહામારી બાદથી યુએસમાં આ આંકડો ૨ લાખથી ૨.૫ લાખની રેન્જમાં સ્થિર રહ્યો છે, જે દર્શાવે છે કે અર્થતંત્રમાં મોટા પાયે કોઈ મોટી ઉથલપાથલ નથી. જોકે, બીજી તરફ જૂન મહિનાનો નોકરીઓનો સરકારી અહેવાલ થોડી ચિંતા પણ જન્માવે છે, જેમાં માત્ર ૫૭,૦૦૦ નવી નોકરીઓ ઉમેરાઈ હતી, જે પાછલા મહિના કરતા અડધા કરતા પણ ઓછી છે. ઘણા બેરોજગાર લોકોએ નોકરી શોધવાનું છોડી દેતા બેરોજગારીનો દર મે મહિનાના ૪.૩% થી ઘટીને ૪.૨% થયો છે, જે એક મિશ્ર સંકેત ગણાય છે.
કોર્પોરેટ જગતમાં સાવચેતીનો માહોલ:
છેલ્લા કેટલાક સમયથી ફુગાવાને કાબૂમાં લેવા માટે વ્યાજ દરોમાં થયેલો વધારો અને અન્ય આર્થિક અનિશ્ચિતતાઓને કારણે મોટી કંપનીઓમાં ભરતી ધીમી પડી છે. વેરાઇઝન, યુપીએસ, એમેઝોન અને વોલમાર્ટ જેવી કંપનીઓ પછી, તાજેતરમાં માઇક્રોસોફ્ટે પણ તેમના વૈશ્વિક વર્કફોર્સના લગભગ ૨.૧% એટલે કે ૪,૮૦૦ કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે, જેમાં ખાસ કરીને ગેમિંગ ડિવિઝન પર અસર જોવા મળી છે.
આ છતાં, બેરોજગારી દાવાઓની ચાર-અઠવાડિયાની મૂવિંગ એવરેજ ૩,૭૫૦ ઘટીને ૨,૧૮,૭૫૦ થઈ છે, જે સૂચવે છે કે એકંદર સ્થિતિ હજુ પણ નિયંત્રણમાં છે. અમેરિકન શ્રમ બજારમાં આ નાના ફેરફારો યુએસ ફેડરલ રિઝર્વની આગામી નાણાકીય નીતિઓ માટે ખૂબ મહત્વના માનવામાં આવે છે. ઇરાન-ઇઝરાયેલ તણાવ અને અન્ય વૈશ્વિક પરિબળો વચ્ચે અમેરિકન કંપનીઓ અત્યારે સાવચેતીભર્યું વલણ અપનાવી રહી છે, પરંતુ છટણીનું નીચું પ્રમાણ એ વાતની સાબિતી છે કે યુએસ જોબ માર્કેટ હજુ પણ ટકી રહેવા માટે સક્ષમ છે.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
