News of Thursday, 26th November 2026
ચાલુ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં અમેરિકા દ્વારા કુલ 1,700 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરાયા
ભારત અને અમેરિકા વચ્ચે લોકોની સુરક્ષિત અવરજવર અને પ્રવાસન સંબંધિત બાબતો પર નિયમિતપણે સહયોગ

ભારત અને અમેરિકા વચ્ચે માઈગ્રેશન એન્ડ મોબિલિટીના મુદ્દે દ્વિપક્ષીય સહયોગ સતત ચાલુ છે. આ દરમિયાન ભારતે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે, તે ગેરકાયદેસર પ્રવાસનનો સખત વિરોધ કરે છે. વિદેશ મંત્રાલયના આંકડા મુજબ, ચાલુ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં અમેરિકા દ્વારા કુલ 1,700 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગેરકાયદેસર રીતે અન્ય દેશોમાં પ્રવેશ કરવાના મામલાઓ પર ભારતનું વલણ અત્યંત સ્પષ્ટ અને કડક છે. ભારત સરકાર આવી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સમર્થન આપતી નથી. તેમણે ઉમેર્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે લોકોની સુરક્ષિત અવરજવર અને પ્રવાસન સંબંધિત બાબતો પર નિયમિતપણે સહયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ અને ભારતીય નાગરિકોની પરત વાપસી જેવા મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે.
ડિપોર્ટેશનની પ્રક્રિયા અંગે વિગતવાર વાત કરતા પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું કે, જ્યારે અમેરિકા તરફથી કોઈ વ્યક્તિને ભારત પરત મોકલવા અંગેની માહિતી શેર કરવામાં આવે છે, ત્યારે સૌપ્રથમ સંબંધિત વ્યક્તિની રાષ્ટ્રીયતાની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં રાષ્ટ્રીયતાની પુષ્ટિ થવી એ સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. જો તપાસ બાદ એવું સાબિત થાય કે સંબંધિત વ્યક્તિ ખરેખર ભારતીય નાગરિક છે, તો જ ભારત સરકાર તેને પરત સ્વીકારવા માટે સંમતિ આપે છે. આ સમગ્ર પ્રક્રિયા બંને દેશો વચ્ચેના પરસ્પર સંકલન અને સ્થાપિત નિયમો હેઠળ આગળ વધારવામાં આવે છે.
નોંધનીય છે કે, હાલમાં અમેરિકાથી ભારતીય નાગરિકોના ડિપોર્ટેશનનો મુદ્દો ખુબ જ ચર્ચામાં છે, તેવા સમયે વિદેશ મંત્રાલયનું આ નિવેદન અત્યંત સૂચક માનવામાં આવે છે. વર્ષ 2026ની શરૂઆતથી અત્યાર સુધીમાં 1,700 ભારતીયોને પરત મોકલવામાં આવ્યા છે. ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોમાં માઈગ્રેશન અને મોબિલિટી એક મહત્વપૂર્ણ કડી છે. રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, ભારત ગેરકાયદેસર પ્રવાસનને રોકવા માટે પ્રતિબદ્ધ છે અને આ દિશામાં અમેરિકા સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે, જેથી નાગરિકોની સુરક્ષિત અને કાયદેસર અવરજવર સુનિશ્ચિત કરી શકાય.
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
