<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

અમેરિકાના ડલાસમાં ગાયક દલજીત દોસાંજનો ભવ્ય લાઈવ શો યોજાયો : હજારો ચાહકોની હાજરીથી ઓડિટોરિયમ હાઉસફુલ : જુઓ વિડિયો

ઉત્તર અમેરિકા ટૂરના ભાગરૂપે અમેરિકન એરલાઈન્સ સેન્ટર ખાતે આયોજિત કાર્યક્રમમાં દલજીતે એક ચાહક યુવતીને સ્ટેજ પર બોલાવી પોતાનો કિંમતી નેકલેસ ભેટમાં આપ્યો

ડલાસ (ટેક્સાસ), ૧૮ મે : અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આવેલા ડલાસ ખાતે વૈશ્વિક સ્તરે લોકપ્રિય ભારતીય ગાયક અને અભિનેતા દલજીત દોસાંજનો એક અત્યંત ભવ્ય અને સફળ લાઈવ મ્યુઝિક શો યોજાઈ ગયો છે. શનિવાર, ૧૬ મે ૨૦૨૬ ના રોજ યોજાયેલો આ શો ગાયક દલજીત દોસાંજની ઉત્તર અમેરિકા મ્યુઝિક ટૂરના એક મહત્વપૂર્ણ ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યો હતો. આ આંતરરાષ્ટ્રીય સ્તરની ભવ્ય લાઈવ ઇવેન્ટ અંગે વિગતવાર માહિતી આપતા ડૉ રાજેશ ભોજકે જણાવ્યું હતું કે, ડલાસ ટેક્સાસના ડાઉનટાઉન વિસ્તારમાં આવેલા પ્રખ્યાત અને વિશાળ ‘અમેરિકન એરલાઈન્સ સેન્ટર’ ખાતે આ સંગીત જલસો યોજાયો હતો, જે પ્રવાસી ભારતીયો માટે યાદગાર બની રહ્યો હતો.

 

આ કાર્યક્રમને લઈને સ્થાનિક લોકોમાં એટલો ભારે ક્રેઝ જોવા મળ્યો હતો કે હજારોની ક્ષમતા ધરાવતું આખું ઓડિટોરિયમ શો શરૂ થાય તે પહેલા જ ચાહકોથી ચિક્કાર ભરાઈ ગયું હતું. શો દરમિયાન હજારોની જંગી મેદની હાજર હોવા છતાં તમામ પ્રેક્ષકોએ અત્યંત શિસ્તબદ્ધ રીતે કાર્યક્રમની મજા માણી હતી. સમગ્ર ઓડિટોરિયમ નાચ, ગાન, હર્ષના નાદ, ચિચિયારીઓ અને તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું અને લોકો દલજીતના પંજાબી અને સુમધુર ગીતોના તાલે ઝૂમી ઉઠ્યા હતા. આ લાઈવ શોમાં ભારત અને પાકિસ્તાનના પ્રવાસીઓ સહિત ખાસ કરીને પંજાબી સમુદાયના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 

પોતાના આ લાઈવ પરફોર્મન્સ દરમિયાન ગાયક દલજીતે તેને આટલો અદભુત પ્રતિસાદ આપવા બદલ તમામ ચાહકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેણે કાર્યક્રમની વચ્ચે નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધીના અનેક ચાહકોને સ્ટેજ પર બોલાવીને ગીત ગાવાની સાથે તેમનું વિશેષ અભિવાદન કર્યું હતું. આ દરમિયાન એક રસપ્રદ અને અદભુત ઘટના ઘટી હતી, જેમાં દલજીતના દરેક શોમાં નિયમિત હાજર રહેતી એક ખાસ મહિલા ચાહક (યુવતી) ને ભીડમાં પણ દલજીતે ઓળખી કાઢી હતી. તેણે આ યુવતીને આદરપૂર્વક સ્ટેજ પર આમંત્રિત કરી પોતાની સાથે લાઈવ પરફોર્મ કરવાની સુવર્ણ તક આપી હતી અને ખુશ થઈને પોતાના ગળામાં પહેરેલો કિંમતી નેકલેસ (હાર) તેને યાદગાર ભેટ તરીકે આપી દીધો હતો.

 

અમેરિકાની ધરતી પર વિદેશી અને પ્રવાસી ચાહકો તરફથી મળેલો આવો અદભુત અને બિનશરતી પ્રેમ જોઈને ગાયક દલજીત દોસાંજ મંચ પર જ ભારે ભાવવિભોર થઈ ગયો હતો. તેણે ડલાસના આ શાનદાર શ્રોતાઓ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવા માટે વારંવાર લાઈવ મંચ પર માથું ઝુકાવીને પ્રેક્ષકોને પ્રણામ કર્યા હતા. આ આખો શો ડલાસના સાંસ્કૃતિક ઇતિહાસમાં લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે તેવો ભવ્ય સાબિત થયો છે.

(1:34 PM IST)