News of Sunday, 19th April 2026
“સાહેબ, મારે જીવવું નથી, બધું ખતમ થઈ ગયું...”: મહિલા અધિકારીની રડતી આંખે ન્યાયની ભીખ, ફિરોઝાબાદ DM પર ગંભીર આરોપોથી યુપીનું વહીવટીતંત્ર હચમચી ઉઠ્યું!
“મેં DM ને આઈફોન આપ્યો હતો છતાં મારું શોષણ થયું” - તહસીલદાર રાખી શર્માના સનસનીખેજ ખુલાસા: ચારિત્ર્યના હનન અને કરોડોના કૌભાંડીઓના દબાણ વચ્ચે પીસીએસ મહિલા અધિકારીએ સીએમ યોગી પાસે માંગી મદદ

ફિરોઝાબાદ | તા.18: ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક હાઈપ્રોફાઈલ વિવાદે આખા રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે. એક બાજુ વહીવટી તંત્રમાં શિસ્તની વાતો થાય છે, ત્યારે બીજી બાજુ ટુંડલાના તહસીલદાર રાખી શર્માએ જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) રમેશ રંજન પર ગંભીર શોષણ અને માનસિક ત્રાસના આરોપો લગાવીને સૌને ચોંકાવી દીધા છે. મહિલા અધિકારીએ એક વીડિયો જાહેર કરીને પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, જે સ્વપ્ન સેવીને તેઓ અધિકારી બન્યા હતા, આજે તે જ તંત્ર તેમને અંધારા ઓરડામાં ધકેલી રહ્યું છે.
રડતા રડતા રજૂ કરી આપવીતી: “બહાર નીકળતા પણ ડર લાગે છે”
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઓડિયો અને વીડિયોમાં રાખી શર્મા પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાત કરતી વખતે રડી પડે છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, જિલ્લાના સર્વોચ્ચ અધિકારી અને તેમના માણસો દ્વારા તેમને સતત ધમકાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, “મેં DM ને તેમના ઓએસડી (OSD) દ્વારા મોંઘોદાટ આઈફોન પણ આપ્યો હતો, છતાં ભ્રષ્ટાચારના કેસોમાં સહકાર ન આપવા બદલ મારી સામે ખોટી તપાસો શરૂ કરવામાં આવી છે. આઠ મહિના સુધી મારો પગાર રોકી દેવામાં આવ્યો હતો.”
પિતા હોસ્પિટલમાં, પરિવારમાં ચિંતાનો માહોલ
આ કાનૂની અને માનસિક લડાઈમાં રાખી શર્માના પિતાની તબિયત પણ લથડી છે. પુત્રી પર થઈ રહેલા હુમલા અને તેના ચારિત્ર્ય પર ઉઠાવવામાં આવતા સવાલોથી પિતા આઘાતમાં છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. રાખી શર્માએ જણાવ્યું કે, “મહિલાને ડરાવવાનો સૌથી સહેલો રસ્તો તેના પાત્ર પર સવાલ ઉઠાવવાનો છે, પણ હું પીછેહઠ કરવાની નથી. મને રસ્તા પર ચાલતા ડર લાગે છે, કારણ કે DM ના માણસો મારી પાછળ પડ્યા છે.”
કરોડોના જમીન કૌભાંડીઓનું કાવતરું?
મહિલા અધિકારીનો દાવો છે કે જિલ્લામાં જમીન કૌભાંડ આચરનારા કારકુનો અને ભૂમાફિયાઓ તેમને ફસાવવા માટે DM સાથે મળીને કાવતરું કરી રહ્યા છે. જે ભ્રષ્ટ તત્વો સામે તેમણે તપાસ શરૂ કરી હતી, તે જ લોકો હવે તેમના લેટરહેડ પર રાખી શર્મા વિરુદ્ધ ફરિયાદો કરી રહ્યા છે. અત્યાર સુધી આ ગંભીર આરોપો પર DM રમેશ રંજને મૌન જાળવી રાખ્યું છે, જેનાથી શંકાઓ વધુ ઘેરી બની છે.
સીએમ યોગી આદિત્યનાથને આખરી અપીલ
રાખી શર્માએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ન્યાયની ભીખ માંગતા કહ્યું છે કે, જો એક PCS અધિકારી સુરક્ષિત નથી, તો સામાન્ય જનતાનું શું થશે? તેમણે આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. હાલમાં તેઓ ચાર દિવસની રજા પર ઉતરી ગયા છે, પણ સમગ્ર યુપીમાં આ મામલે રાજકીય અને વહીવટી ચર્ચાઓ તેજ બની છે.
(12:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
