તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૧, શનિવાર
News of Thursday, 7th May 2026
SKY ના ઘરે ગુંજી કિલકારી! ટી20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ બન્યા પિતા, દેવિશાએ લક્ષ્મીને આપ્યો જન્મ
લગ્નના 10 વર્ષ બાદ યાદવ પરિવારમાં ખુશીઓનો માહોલ; આઈપીએલ વચ્ચે સૂર્યાના આંગણે ‘નન્હી પરી’નું આગમન

નવી દિલ્હી: ભારતીય ટી20 ટીમના વિસ્ફોટક બેટ્સમેન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે આ સમય બેવડી ખુશીનો સાબિત થયો છે. મેદાન પર પોતાની બેટિંગથી બોલરોને હંફાવનાર ‘મિસ્ટર 360’ હવે પિતા બની ગયા છે. તેમની પત્ની દેવિશા શેટ્ટીએ ગુરુવારે એક સુંદર બાળકીને જન્મ આપ્યો છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ક્રિકેટ જગત અને ચાહકોમાં આનંદની લહેર દોડી ગઈ છે.
10 વર્ષની રાહનો આવ્યો સુખદ અંત
સૂર્યકુમાર અને દેવિશાની લવ સ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી નથી. બંનેની મુલાકાત કોલેજકાળ દરમિયાન થઈ હતી અને લાંબા સમયના ડેટિંગ બાદ 7 જુલાઈ, 2016ના રોજ તેઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા. લગ્નના બરાબર 10 વર્ષ બાદ તેમના ઘરે પહેલા સંતાનનું આગમન થયું છે. માર્ચ મહિનામાં દેવિશાના બેબી બમ્પનો વીડિયો વાયરલ થયો હતો, ત્યારથી જ ફેન્સ આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
મેદાન પર સંઘર્ષ, જીવનમાં જીત
એકતરફ સૂર્યા પિતા બન્યા છે, તો બીજી તરફ આઈપીએલ 2026માં તેમનું ફોર્મ થોડું ચિંતાજનક રહ્યું છે. મુંબઈ માટે રમતા સૂર્યા અત્યાર સુધી બેટથી ખાસ કમાલ કરી શક્યા નથી. જોકે, પિતા બનવાની આ ખુશી તેમના આત્મવિશ્વાસમાં વધારો કરશે તેવી આશા છે. ઉલ્લેખનીય છે કે, સૂર્યાએ પોતાની સફળતાનો શ્રેય હંમેશા પત્ની દેવિશાને આપ્યો છે અને તેમને પોતાના ‘કોચ’ ગણાવ્યા છે.
આરસીબી સામેની મેચમાં સસ્પેન્સ
મુંબઈની આગામી મેચ રવિવારે રાયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે છે. પિતા બન્યા હોવાથી સૂર્યા આ મહત્વની મેચમાં રમશે કે કેમ તે અંગે હજુ સસ્પેન્સ યથાવત છે. માનવામાં આવે છે કે તેઓ પરિવાર સાથે સમય વિતાવવા માટે બ્રેક લઈ શકે છે. હાલ તો સોશિયલ મીડિયા પર સૂર્યા અને દેવિશા પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
