News of Saturday, 7th November 2026
પ્રદૂષણ વધવા પાછળ વાહનોમાંથી નીકળતો ધુમાડો મુખ્ય કારણ :પ્રતિબંધ એ સમસ્યાનો ઉકેલ નથી :દિલ્હી-NCR પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
પરાળી બાળવાની સમસ્યાના ઉકેલ માટે ખેડૂતોને દંડિત કરવાને બદલે આર્થિક પ્રોત્સાહન આપવાની જરૂર:કોર્ટે સરકારને પરાળીના ખરીદ દર અગાઉથી જાહેર કરવા પણ સૂચન કર્યું

નવી દિલ્હી : દિલ્હી-NCRમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે દિલ્હીમાં પ્રદૂષણ વધવા પાછળ વાહનોમાંથી નીકળતો ધુમાડો મુખ્ય કારણ છે. બમ્પર ટુ બમ્પર ટ્રાફિકને કારણે પણ પ્રદૂષણની સમસ્યા વકરી રહી છે. તમામ નિયંત્રણો અને પ્રયાસો છતાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 400ની નજીક કેવી રીતે પહોંચી રહ્યો છે તેવો સવાલ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI)એ ઉઠાવ્યો હતો.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર પ્રતિબંધો લાદવાથી પ્રદૂષણની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે નહીં. વધુ પડતા પ્રતિબંધો મૂકવાથી લોકોમાં નિયમોનું ઉલ્લંઘન કરવાની વૃત્તિ વધી શકે છે. આ સાથે દિવાળીની ઉજવણીમાં પરંપરાગત રીતો અપનાવવાનું સૂચન પણ કરવામાં આવ્યું હતું. પરાળી બાળવાની સમસ્યાના ઉકેલ માટે ખેડૂતોને દંડિત કરવાને બદલે આર્થિક પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. કોર્ટે સરકારને પરાળીના ખરીદ દર અગાઉથી જાહેર કરવા પણ સૂચન કર્યું હતું, જેથી ખેડૂતોને પરાળી બાળવાને બદલે તેના વેચાણમાંથી આવક મળી શકે. દિલ્હી-NCRમાં પ્રદૂષણને કાબૂમાં લેવા માટે માત્ર સરકારી નિયંત્રણો પૂરતા નથી, પરંતુ જનજાગૃતિ અને નાગરિકોના સહયોગની પણ એટલી જ જરૂર છે તેમ કોર્ટે જણાવ્યું હતું.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
