<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

સ્નેપચેટની મિત્રતા બની ખતરનાક ઝનૂન: અમદાવાદના યુવકે મધ્યપ્રદેશની યુવતીને લગ્ન માટે બ્લેકમેલ કરી હેરાન કરી

કરવાચોથની સામગ્રી લઈ યુવતીના ઘરે પહોંચી ગયો યુવક: તસવીરો વાયરલ કરવાની ધમકી આપનાર આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

ગ્વાલિયર : સોશિયલ મીડિયાના માધ્યમથી થયેલી મિત્રતા કેટલી હદે જોખમી સાબિત થઈ શકે છે તેનું વધુ એક ચોંકાવનારું પ્રકરણ મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાંથી સામે આવ્યું છે. સ્નેપચેટ દ્વારા થયેલી ઓળખાણ બાદ અમદાવાદના એક યુવકે લગ્ન માટેનો ઇનકાર છતાં યુવતીનો પીછો કરવાનું, છેડતી કરવાનું અને બદનામ કરવાની ધમકી આપવાનું કૃત્ય આચર્યું હતું. આ મામલે પીડિત યુવતીએ ગ્વાલિયરના ગોલા કા મંદિર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસ પ્રશાસન હરકતમાં આવ્યું છે અને આરોપી યુવક વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, આશરે સાત મહિના પહેલાં ગ્વાલિયરના ગોલા કા મંદિર વિસ્તારમાં રહેતી યુવતીની સોશિયલ મીડિયા એપ 'સ્નેપચેટ'ના માધ્યમથી ગુજરાતના અમદાવાદ શહેરમાં રહેતા સાહિલ પટેલ સાથે મિત્રતા થઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચે સામાન્ય ચેટ અને ફોન પર વાતચીત થતી હતી, પરંતુ સમય જતાં યુવકે યુવતી પર પોતાના મિત્રો સાથે વાત ન કરવા માટે દબાણ કરવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં, યુવકે યુવતી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, પરંતુ યુવતીએ તેની સાથે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને તેની સાથેની વાતચીત બંધ કરી દીધી હતી.

 

યુવતી દ્વારા લગ્નનો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવતા આરોપી સાહિલ પટેલ માનસિક રીતે અસ્થિર બની ગયો હતો અને તેણે યુવતીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. ગત ૧૪ જૂનના રોજ આરોપી સીધો યુવતીના ઘરની બહાર પહોંચી ગયો હતો અને ત્યાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન તેણે યુવતીનો હાથ પકડીને છેડતી કરી હતી અને જ્યારે યુવતીએ વિરોધ કર્યો ત્યારે તેણે પોતાની નસ કાપી નાખવાની તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વિવાદ વધતાં તે તે સમયે માફી માંગીને ત્યાંથી ચાલ્યો ગયો હતો, પરંતુ તેની હરકતો ચાલુ રહી હતી.

 

મામલો અહીં જ અટક્યો ન હતો, પરંતુ ગત ૩૦ ઓગસ્ટની રાત્રે આરોપી ફરીથી યુવતીના ઘરે પહોંચ્યો હતો અને ધમકી આપી હતી કે જો તે તેની સાથે લગ્ન નહીં કરે તો તેની અંગત તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને તેને બદનામ કરી દેશે. આરોપી સતત યુવતીના ઘરની આસપાસ આંટાફેરા મારતો હતો અને મોંઘી ગિફ્ટ્સ મોકલીને દબાણ કરતો હતો. આ જ ક્રમમાં તે છેક કરવાચોથની પૂજાની સામગ્રી લઈને પણ યુવતીના ઘરે પહોંચી ગયો હતો, જેના કારણે પીડિત પરિવાર ભારે ભય અને ચિંતાના વાતાવરણમાં જીવી રહ્યો હતો.

 

રોજિંદી હેરાનગતિ અને બ્લેકમેઇલિંગથી ત્રાસીને આખરે યુવતી પોતાના પરિવારજનો સાથે ગ્વાલિયરના ગોલા કા મંદિર પોલીસ સ્ટેશન પહોંચી હતી અને સમગ્ર ઘટના અંગે લેખિત ફરિયાદ નોંધાવી હતી. એડિશનલ એસપી જયરાજ કુબેરના જણાવ્યા અનુસાર, યુવતીની ગંભીર ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ધોરણે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને અમદાવાદના આરોપી સાહિલ પટેલની ધરપકડ કરી લીધી છે.

 

પોલીસે આરોપી સાહિલ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૭૪, ૭૫(૨), ૭૮(૨) અને ૩૫૧(૩) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ તેજ કરી દીધી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી વધતા જતા આવા અપરાધો અને ઓનલાઈન સ્ટૉકિંગ સામે પોલીસે યુવતીઓ અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે, તેમજ આ કેસમાં તમામ ટેક્નિકલ પુરાવાઓ એકત્ર કરીને આરોપી સામે સખત સજા થાય તેવા પગલાં લેવામાં આવી રહ્યા છે.

 

(7:10 PM IST)