News of Tuesday, 28th July 2026
સોશિયલ મીડિયા દિગ્ગજો પર સંસદની લાલ આંખ: મેટા, ગૂગલ, X અને સ્નેપચેટને સંસદીય પેનલનું સમન્સ!
વિદ્યાર્થી આંદોલનમાં સોશિયલ મીડિયાના વ્યાપક ઉપયોગ બાદ લોકસભા સમિતિનો મોટો નિર્ણય: યુઝર્સની પ્રાઇવસી અને પબ્લિક ઓર્ડર જાળવણી મુદ્દે 'બિગ ટેક' કંપનીઓ પાસેથી મંગાયા જવાબ

નવી દિલ્હી : દેશમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના નિયમન (Regulation) અને યુઝર્સની સુરક્ષાને લઈને ભારત સરકાર હવે કડક વલણ અપનાવી રહી છે. સંચાર અને માહિતી ટેકનોલોજી અંગેની સંસદીય સ્થાયી સમિતિ (Parliamentary Standing Committee) એ વિશ્વની અગ્રણી ડિજિટલ કંપનીઓ — મેટા (Meta), ગૂગલ (Google), X (અગાઉ ટ્વિટર) અને સ્નેપચેટ (Snapchat) ના ટોચના પ્રતિનિધિઓને સમન્સ પાઠવીને હાજર રહેવા આદેશ કર્યો છે.
મંગળવારે જારી કરાયેલી સત્તાવાર નોટિસ મુજબ, આ બેઠકમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY), ગૃહ મંત્રાલય તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે 'સામાજિક અને ડિજિટલ પ્લેટફોર્મ્સનું નિયમન' વિષય પર ગહન ચર્ચા કરવામાં આવશે.
આંદોલન બાદ સંસદીય પેનલની એક્શન
નોંધનીય છે કે, NEET-UG પેપર લીક મુદ્દે જંતર-મંતર પર યોજાયેલા દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલનમાં સોશિયલ મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ (Instagram) નો અભૂતપૂર્વ ઉપયોગ કરવામાં આવ્યો હતો. 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા યુવાનોને એકત્રિત કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો મોટો ટેકો લેવાયો હતો. ૩૬ દિવસ ચાલેલા આ આંદોલન બાદ સરકારે માંગણીઓ સ્વીકારી હતી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું હતું. આ ઘટનાક્રમ બાદ તુરંત જ સંસદીય પેનલે આ બિગ ટેક કંપનીઓને ઘેરવાની તૈયારી કરી છે.
ગોપનીયતા અને જાહેર વ્યવસ્થા પર તીખા સવાલો
સંચાર અને આઈટી સમિતિના અધ્યક્ષ અને ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ જણાવ્યું હતું કે, પેનલ આ કંપનીઓ પાસેથી સ્પષ્ટતા માંગશે કે તેઓ સામાન્ય નાગરિકોની ગોપનીયતાનું રક્ષણ કેવી રીતે કરે છે.
તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે:
"મહિલાઓ, બાળકો, ખેડૂતો, ગ્રામીણ લોકો, મજૂરો અને દેશના સામાન્ય નાગરિકોની પ્રાઇવસી કેવી રીતે સુરક્ષિત રહે છે? આંતરરાષ્ટ્રીય ડિજિટલ કંપનીઓ દેશમાં કાયદો અને વ્યવસ્થા (Public Order) જાળવવામાં સરકારને કઈ રીતે સહયોગ આપે છે? આ તમામ મુદ્દાઓ પર કંપનીઓએ જવાબ આપવો પડશે."
આ બેઠક બાદ ભારતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે નવા અને વધુ કડક નિયમો (Regulations) ઘડાય તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
