<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સ્વતંત્ર ભારદ્વાજને જેલ ભેગા કરાવનાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર

નિશુ આઝાદના ઘરે પથ્થરમારો થતાં પરિવારની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા : બાલ્કનીમાં પથ્થરો અને તૂટેલા કાચ દેખાડી નિશુએ કહ્યું—ભયના ઓથાર હેઠળ જીવીએ છીએ, તાત્કાલિક સુરક્ષા આપવામાં આવે

નવી દિલ્હી, તા. ૬ : સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નિશુ આઝાદે પોતાના ઘરે રાત્રે અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યાનો ગંભીર આરોપ મૂક્યો છે. તેણે જાહેર કરેલા દૃશ્યોમાં બાલ્કનીમાં પડેલા પથ્થરો અને તૂટેલા કાચ દેખાય છે. નિશુના જણાવ્યા પ્રમાણે ઘરની ગેલેરી તથા રસોડા તરફ પથ્થરો ફેંકાયા હતા અને બહારથી ધમકીભર્યા અવાજો સંભળાયા હતા.

 

જંતર-મંતર ખાતેના આંદોલન દરમિયાન નિશુના પિતા સંજય અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સ્વતંત્ર ભારદ્વાજ વચ્ચે ઝઘડો થયો હતો. નિશુનો આરોપ છે કે હુમલામાં તેના પિતાના માથામાં ઈજા થતાં સાત ટાંકા લેવા પડ્યા હતા. ફરિયાદ બાદ સ્વતંત્ર સામે અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ કાયદા સહિતની જોગવાઈ હેઠળ ગુનો નોંધાયો અને ધરપકડ થઈ હતી. ત્યારબાદ પથ્થરમારાની ઘટના બની હોવાનો નિશુનો દાવો છે. પરિવારે જાનનું જોખમ દર્શાવી પોલીસ સુરક્ષા માગી છે. જોકે પથ્થરમારો કોણે કર્યો તે અંગે સત્તાવાર પુષ્ટિ કે આરોપીઓની ઓળખ હજુ જાહેર થઈ નથી.

(1:29 PM IST)