<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

સોશિયલ મીડિયા પર રાજકીય સટાયરનો જંગ જામ્યો: CJPના ૨.૧૫ કરોડના સામ્રાજ્ય સામે હવે Oggy Janata Party (OJP)ની એન્ટ્રી, મીમ કલ્ચરમાં નવો વળાંક!

પ્રખ્યાત કાર્ટૂન કેરેક્ટર 'ઓગી'ના નામે નવી 'પાર્ટી' મેદાનમાં; પ્રાણીઓના કલ્યાણ માટે ૬-પોઇન્ટનો મેનિફેસ્ટો જાહેર કરી કોકરોચ જનતા પાર્ટીના સ્થાપકના રાજકીય જોડાણો પર ઉઠાવ્યા ગંભીર સવાલો

અમદાવાદ: ડિજિટલ યુગમાં આજના યુવાનો પોતાની નારાજગી, બેરોજગારી અને સિસ્ટમ સામેનો આક્રોશ રજૂ કરવા માટે અવનવા રસ્તાઓ અપનાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી ધૂમ મચાવી રહેલી 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના ટ્રેન્ડ બાદ હવે ઇન્ટરનેટ પર વર્ચ્યુઅલ રાજકીય સંગ્રામ છેડાયો છે. પ્રખ્યાત કાર્ટૂન શો 'ઓગી એન્ડ ધ કોકરોચિસ' (Oggy and the Cockroaches)થી પ્રેરિત થઈને યુવાનોએ હવે 'ઓગી જનતા પાર્ટી' (OJP)નો મોરચો ખોલ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર મીમ્સ અને કટાક્ષ (Political Satire) દ્વારા શરૂ થયેલો આ ટ્રેન્ડ હાલ સમગ્ર દેશમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
તાજેતરમાં 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) એ સોશિયલ મીડિયા પર યુવા નારાજગી અને બેરોજગારી જેવા મુદ્દાઓને વાચા આપીને જોતજોતામાં ૨.૧૫ કરોડથી વધુ ફોલોઅર્સ મેળવી લીધા હતા. CJPના આ પ્રચંડ ડિજિટલ નેટવર્કે દેશની મુખ્ય પ્રવાહની અનેક રાજકીય પાર્ટીઓને પણ પાછળ છોડી દીધી છે. જોકે, CJPના આ એકહથ્થુ શાસન અને પ્રભાવને પડકારવા માટે હવે 'ઓગી જનતા પાર્ટી' મેદાનમાં આવી છે. OJPએ સત્તાવાર રીતે એન્ટ્રી કરીને CJP પર સીધો આક્ષેપ કર્યો છે કે, પોતાને તટસ્થ (Neutral) ગણાવતી સીજેપીના સ્થાપક અભિજીત દીપક (Abhijit Deepak)ના રાજકીય જોડાણો વાસ્તવમાં 'આમ આદમી પાર્ટી' (AAP) સાથે રહેલા છે. OJPએ પુરાવા તરીકે કેટલીક જૂની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પણ વાયરલ કરી છે.
"Any roach. Any size. Any species. Dead." - OJPનો આક્રમક કટાક્ષ
ઓગી જનતા પાર્ટીએ કાર્ટૂન કેરેક્ટર 'ઓગી'ને સફેદ કુર્તા-પાયજામા પહેરાવી એક ઠેરેદાર રાજનેતા તરીકે પ્રોજેક્ટ કર્યો છે. તેમનું મિશન અત્યંત સ્પષ્ટ છે કે કોઈ પણ કદ કે પ્રજાતિના 'કોકરોચ'ને ખતમ કરવા. આ માત્ર એક સૂત્ર નથી, પરંતુ મીમ કલ્ચરના માધ્યમથી વિપક્ષ પર કરવામાં આવેલો પ્રહાર છે. OJPએ સોશિયલ મીડિયા પર પ્રાણીઓના કલ્યાણ (Animal Welfare) માટે ૬ મુદ્દાઓનો એક ખાસ ચૂંટણી મેનિફેસ્ટો પણ જાહેર કર્યો છે, જેમાં રખડતા પ્રાણીઓ માટે મફત તબીબી સારવાર (હેલ્થકેર), આશ્રયસ્થાનો (શેલ્ટર્સ) અને ભોજન આપવાના ડિજિટલ વચનો આપવામાં આવ્યા છે.
આ મીમ વોર (Meme War) હવે માત્ર મનોરંજન પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તે દેશની સામાજિક સ્થિતિ પર પણ ગંભીર કટાક્ષ કરી રહ્યો છે. OJPએ ભારતના સ્વતંત્રતા સંગ્રામના વીર શહીદોની તસવીરો શેર કરીને દેશના યુવાનોને એક ગંભીર પ્રશ્ન પૂછ્યો છે કે, જે દેશને આઝાદ કરાવવા મહાપુરુષોએ બલિદાન આપ્યા, ત્યાં આજનો યુવાન બેરોજગારી અને નિરાશાના કારણે સોશિયલ મીડિયા પર પોતાની ઓળખ 'કોકરોચ' તરીકે કેમ આપી રહ્યો છે? આમ, આ ડિજિટલ ટ્રેન્ડ દર્શાવે છે કે આજના યુવાનો ગંભીર રાજકીય અને સામાજિક વિષયો પર સીધી ચર્ચા કરવા માટે પોપ-કલ્ચર અને ઇન્ટરનેટ મીમ્સનો કેટલો પ્રભાવશાળી ઉપયોગ કરી રહ્યા છે.

(7:48 PM IST)