News of Wednesday, 15th July 2026
ક્રિપ્ટોકરન્સી અંગે સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓનો મોટો ફિયાસ્કો: સરકારે વાયરલ પોસ્ટનું સખત શબ્દોમાં કર્યું ખંડન!
PIB ફેક્ટ ચેકે વાયરલ દાવાને ગણાવ્યો તદ્દન ખોટો; નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે ભારત ક્રિપ્ટોને સંપત્તિ (Asset) તરીકે માન્યતા આપતું નથી.

નવી દિલ્હી : દેશમાં ક્રિપ્ટોકરન્સીના નિયમનને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો પર આજે કેન્દ્ર સરકારે સંપૂર્ણ વિરામ લગાવી દીધું છે. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એક પોસ્ટ જોરશોરથી વાયરલ થઈ રહી હતી, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે નાણા મંત્રાલયે ભારતીય રિઝર્વ બેંક (RBI) અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ને દેશમાં ક્રિપ્ટોને નિયંત્રિત કરવા માટે કોઈ ચોક્કસ નીતિ ઘડવા કે વિચારણા કરવા જણાવ્યું છે. જોકે, સરકારે સત્તાવાર રીતે આ અહેવાલોને નકારી કાઢ્યા છે.
પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) ના ફેક્ટ ચેક યુનિટ દ્વારા આ વાયરલ મેસેજની સઘન તપાસ કરવામાં આવી હતી, જેમાં આ દાવો સંપૂર્ણપણે ફેક અને ભ્રામક સાબિત થયો છે. સરકારી એજન્સીએ સત્તાવાર સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે નાણા મંત્રાલય દ્વારા આરબીઆઈ કે સેબીને ક્રિપ્ટોકરન્સીના નિયમન અંગે આવા કોઈ જ નિર્દેશો અથવા આદેશો આપવામાં આવ્યા નથી. આ પ્રકારની અફવાઓ રોકાણકારોમાં ખોટો ઉત્સાહ અથવા ભ્રમ પેદા કરવા માટે ફેલાવવામાં આવી હોઈ શકે છે.
આ સાથે જ સરકારે ભારતનું ક્રિપ્ટોકરન્સી અંગેનું વલણ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે. ફેક્ટ ચેક યુનિટે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત સરકાર ક્રિપ્ટોકરન્સીને કાયદેસરની સંપત્તિ (Asset) તરીકે બિલકુલ માન્યતા આપતી નથી. દેશમાં ડિજિટલ કરન્સીના જોખમોને ધ્યાનમાં રાખીને અગાઉ પણ તંત્ર દ્વારા સમયાંતરે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. પીઆઈબી (PIB) એ દેશના તમામ નાગરિકો અને રોકાણકારોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર આવતા આવા અપ્રમાણિત અહેવાલો પર વિશ્વાસ ન કરે અને નાણાકીય બાબતોમાં હંમેશા સત્તાવાર અને ચકાસાયેલા સ્ત્રોતો પર જ આધાર રાખે.
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
