તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Sunday, 5th July 2026
સોશિયલ મીડિયા પર વૈભવી જીવનનું પ્રદર્શન પડ્યું ભારે: રીલ્સ જોઈ યુવકનું અપહરણ કરનાર ગેંગ જેલના સળિયા પાછળ
મોંઘા મોબાઈલ અને લાઈફસ્ટાઈલના વીડિયો બનાવીને યુવકે આમંત્રણ આપ્યું આફતને; ૧૦ લાખની ખંડણી માંગનાર ત્રણેય આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા

પન્ના :મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં સોશિયલ મીડિયા પર પોતાની વૈભવી જીવનશૈલી બતાવવી એક ૧૯ વર્ષીય યુવક અંશુલને ભારે પડી ગઈ છે. કપડાના વેપારીના પુત્રની સોશિયલ મીડિયા પરની રીલ્સ જોઈ ત્રણ બદમાશોએ તેને શ્રીમંત માની ૨૭ જૂને તેનું અપહરણ કરી ૧૦ લાખની ખંડણી માંગી હતી, જેને પગલે પવઈ પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સના આધારે યુવકને સહીસલામત મુક્ત કરાવી ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
અપહરણ બાદ આરોપીઓએ પરિવારનો સંપર્ક કરીને પુત્રને છોડાવવાના બદલામાં ૧૦ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. પુત્રના જીવની ચિંતામાં પરિવારજનોએ આરોપીઓએ જણાવેલા બેંક ખાતામાં ૧ લાખ ૪૮ હજાર રૂપિયા ટ્રાન્સફર પણ કરી દીધા. ખંડણીની માહિતી મળતા જ પન્ના પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ. સૌપ્રથમ જે બેંક ખાતામાં રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા તેને ફ્રીઝ કરાવવામાં આવ્યું. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ અને સતત તપાસના આધારે પોલીસે યુવકને સલામત રીતે મુક્ત કરાવ્યો.
પોલીસે ઘેરાબંધી કરીને ત્રણેય આરોપીઓને ઝડપી લીધા. તેમની ઓળખ રાજકમલ રજક, રાજકુમાર પાલ અને શિવેન્દ્ર સિંહ તરીકે થઈ છે. તેમના કબજામાંથી એક પિસ્તોલ, બે દેશી કટ્ટા અને બે મોટરસાઇકલ પણ જપ્ત કરવામાં આવી છે. ધરપકડ બાદ પવઈ પોલીસે ત્રણેય આરોપીઓનું શહેરના મુખ્ય બજારમાંથી પગપાળા સરઘસ કાઢ્યું. પોલીસના જણાવ્યા મુજબ, તેનો હેતુ લોકોના મનમાંથી ગુનાનો ભય દૂર કરવાનો હતો. સરઘસ દરમિયાન આરોપીઓને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યા.
આ ઘટનાએ ફરી એકવાર સોશિયલ મીડિયાના અતાર્કિક ઉપયોગ અને તેનાથી થતા જોખમો સામે લાલબત્તી ધરી છે. પોલીસે ચેતવણી આપી છે કે પોતાની ખાનગી માહિતી કે વૈભવી જીવનનું જાહેરમાં પ્રદર્શન કરવું ગુનેગારોને આકર્ષી શકે છે. હવે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે શું આ ગેંગે અગાઉ પણ આવા કોઈ અન્ય લોકોને શિકાર બનાવ્યા છે કે નહીં.
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
