<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

ન્યાયતંત્ર વિરુદ્ધ ‘સોશિયલ વોર’: કેજરીવાલ સહિત AAPના 5 દિગ્ગજો હવે કાનૂની સકંજામાં

દારૂ કૌભાંડની તપાસ વચ્ચે જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા પર કાદવ ઉછાળવાના પ્રયાસો બદલ હાઈકોર્ટ લાલચોળ : એડિટેડ વીડિયો અને બદનક્ષીભર્યા અભિયાનને ન્યાયતંત્ર પરના હુમલા સમાન ગણાવી ફોજદારી અવમાનનાની કાર્યવાહી શરૂ કરાઈ

નવી દિલ્હી:  દિલ્હીના રાજકારણમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે, પરંતુ આ વખતે લડાઈ કોઈ નીતિ વિશે નહીં પણ ન્યાયતંત્રની ગરિમા વિશે છે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ દારૂ નીતિ કેસમાંથી અલગ થવાની સાથે જ આમ આદમી પાર્ટીના પાંચ મુખ્ય નેતાઓ—અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંહ, સૌરભ ભારદ્વાજ અને વિનય મિશ્રા સામે ફોજદારી અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાનો ઐતિહાસિક આદેશ આપ્યો છે. કોર્ટે અવલોકન કર્યું કે, ન્યાયાધીશને ડરાવવા અને તેમની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવવા માટે સોશિયલ મીડિયા પર એક સુનિયોજિત પ્રોપેગેન્ડા ચલાવવામાં આવ્યો હતો, જેમાં જસ્ટિસ શર્માના કાયદા કોલેજના જૂના વીડિયોને એડિટ કરી તેમને રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોવાનું ખોટું ચિત્રણ કરવામાં આવ્યું હતું.

કોર્ટે આ મામલે અત્યંત આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, લોકશાહીમાં આદેશની ટીકા કરવાનો અધિકાર સૌને છે, પરંતુ ન્યાયાધીશના પરિવારને નિશાન બનાવવા અને ખોટી વાર્તાઓ ઘડીને જનતાનો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઉઠાવવો એ ગુનાહિત કૃત્ય છે. ખાસ કરીને અરવિંદ કેજરીવાલ દ્વારા સોશિયલ મીડિયા પર જે નિવેદનો આપવામાં આવ્યા, તેને કોર્ટે ન્યાયિક પ્રક્રિયામાં સીધો દખલ ગણાવ્યો છે. જસ્ટિસ શર્માએ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું કે, લાખો ફોલોઅર્સ ધરાવતા નેતાઓની જવાબદારી વધુ હોય છે અને તેઓ પોતાની રાજકીય સગવડ માટે કોર્ટની છબી ખરાબ કરી શકે નહીં. "મારા મૌનને મારી નબળાઈ ન સમજવી, હું ડરવાનો ઈન્કાર કરું છું," તેવા જસ્ટિસ શર્માના શબ્દોએ કાનૂની આલમમાં સનસનાટી મચાવી દીધી છે.

આ કાર્યવાહી બાદ હવે AAP નેતાઓ માટે મુશ્કેલીઓ વધી શકે તેમ છે, કારણ કે આ કેસ હવે બીજી બેન્ચ સમક્ષ સુનાવણી માટે જશે. કેજરીવાલે કોર્ટ પર ભાજપના પક્ષમાં હોવાના જે આક્ષેપો કર્યા હતા, તેને હાઈકોર્ટે અત્યંત ગંભીરતાથી લીધા છે. કોર્ટે પ્રશ્ન કર્યો કે, કોઈ નેતા પાસે એવો કયો અધિકાર છે કે તે નક્કી કરે કે કયા જજ કયો કેસ સાંભળશે? આ ચુકાદો માત્ર એક કેસ પૂરતો મર્યાદિત નથી, પરંતુ સોશિયલ મીડિયાના યુગમાં ન્યાયતંત્રને ઓનલાઈન ટ્રોલિંગ અને રાજકીય દબાણથી બચાવવા માટેની એક મોટી સીમાચિહ્નરૂપ ઘટના માનવામાં આવી રહી છે.

(10:17 PM IST)