<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

X પર ડેબ્યૂ કરી સોનિયા ગાંધીએ કહ્યું, ‘રાજીવ ગાંધી ખૂબ હેન્ડસમ હતા’, ઇંગ્લેન્ડના ભોજનને સૌથી ખરાબ ગણાવ્યું

ઇટાલિયન ફૂડની શોધમાં કેમ્બ્રિજની ગ્રીક રેસ્ટોરન્ટમાં થઈ હતી પહેલી મુલાકાત, 10 નવેમ્બરે આવશે સોનિયા ગાંધીની આત્મકથા ‘બિલોંગિંગ- અ જર્ની ઓફ લવ’

નવી દિલ્હી તા.24 : કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ડેબ્યૂ કર્યું છે. ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યાના બે દિવસ બાદ જ તેમણે X પર પહેલી પોસ્ટ કરી અને રાજીવ ગાંધી સાથેની લવ સ્ટોરી શેર કરી.

 

તેમણે કહ્યું, ‘રાજીવ ગાંધી ખૂબ હેન્ડસમ હતા, જેન્ટલ હતા. પહેલી નજરમાં જ મને ગમી ગયા હતા.’ સાથે જ ઈંગ્લેન્ડના ભોજનને તે સમયનું સૌથી ખરાબ ગણાવ્યું હતું.

 

લગભગ 2 મિનિટના વીડિયોમાં સોનિયા ગાંધીએ જણાવ્યું કે, ‘એ જમાનામાં ઈંગ્લેન્ડમાં ફૂડ ખૂબ જ ખરાબ મળતું હતું. આજની જેમ એટલી બધી રેસ્ટોરન્ટ ન હતી. હું ઈટાલિયન ફૂડ શોધી રહી હતી અને ત્યારે અમે કેમ્બ્રિજની Varsity નામની ગ્રીક રેસ્ટોરન્ટ શોધી, જ્યાં ઘણા યુરોપિયન અને ભારતીય વિદ્યાર્થીઓ જતા હતા. ત્યાં જ હું રાજીવને મળી હતી.’

 

તેમણે જણાવ્યું કે એક કોમન ફ્રેન્ડે બંનેનો પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ મિત્રતા થઈ, પાર્ટીઓમાં જવાનું, વેલેન્ટાઈન પાર્ટીમાં જવાનું થયું. ‘જ્યારે હું પહેલીવાર રાજીવને મળી ત્યારે તરત જ લાગ્યું કે આ એ વ્યક્તિ છે જેની સાથે રહેવું ગમે. અને પછી ખબર પડી કે તેમને પણ મારા માટે એવું જ હતું.’

સોનિયા ગાંધીએ X પર લખ્યું, ‘કેમ્બ્રિજની એક નાની ગ્રીક રેસ્ટોરન્ટમાં મારી પ્રેમ યાત્રા શરૂ થઈ હતી. રાજીવ અને મેં પ્રેમ, હાસ્ય અને યાદોથી ભરેલી દુનિયા બનાવી. 10 નવેમ્બરે હું તે દુનિયા તમારી સાથે શેર કરીશ.’

તેમની આત્મકથા ‘Belonging - A Journey of Love’ 10 નવેમ્બરે લોન્ચ થશે. આ તેમનું પહેલું પુસ્તક હશે જેમાં રાજીવ ગાંધી સાથેની યાદો અને તેમની જીવનયાત્રા હશે.

(4:14 PM IST)