<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

અવકાશમાં ગુંજ્યો આસામી બિહુનો નાદ: નાસાના અવકાશયાત્રીએ સ્પેસ સ્ટેશનમાં 'ગમોસા' ધારણ કરી પરંપરાગત નૃત્ય કરતા વિશ્વ આખું મંત્રમુગ્ધ

આસામના 'જમાઈરાજ' તરીકે જાણીતા માઈક ફિન્કે શૂન્ય ગુરુત્વાકર્ષણમાં દેશી અંદાજમાં ઠુમકા લગાવી આસામી સંસ્કૃતિને બ્રહ્માંડના ફલક પર પહોંચાડી, સીએમ હિમંતા બિસ્વા શર્માએ આ ગૌરવશાળી ક્ષણનો વીડિયો શેર કરી વૈશ્વિક સ્તરે ભારતની વધતી ધાકને બિરદાવી

ગુવાહાટી:આસામની ગૌરવશાળી સંસ્કૃતિ અને પરંપરાગત બિહુ નૃત્ય હવે માત્ર ધરતીના છેડા સુધી સીમિત રહ્યું નથી, પરંતુ તેની ગુંજ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) સુધી પહોંચી ગઈ છે. નાસાના પ્રખ્યાત અવકાશયાત્રી માઇક ફિન્કે અંતરિક્ષની અનંત ઊંચાઈઓ પર આસામી સંસ્કૃતિનું પ્રતીક એવો 'ગમોસા' ગળામાં ધારણ કરી બિહુ નૃત્ય રજૂ કરતા સોશિયલ મીડિયા પર ગૌરવની લહેર દોડી ગઈ છે. આ આશ્ચર્યજનક દ્રશ્યમાં તેઓ સ્પેસ સ્ટેશનની અંદર ભારહીન અવસ્થામાં ડોલતા રહીને બિહુની પરંપરાગત મુદ્રાઓ કરતા નજરે પડે છે, જે આસામીઓ માટે એક ઐતિહાસિક અને ભાવુક ક્ષણ સાબિત થઈ છે.

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આ અનોખો વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરતા માઇક ફિન્કનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આસામી સંસ્કૃતિને આટલા મોટા વૈશ્વિક અને વૈજ્ઞાનિક મંચ પર માન્યતા મળવી એ દરેક ભારતીય માટે હરખની વાત છે. ઉલ્લેખનીય છે કે માઇક ફિન્કનું આસામ સાથે ખાસ લોહીનું જોડાણ છે, તેમની પત્ની રેનિતા સૈકિયા આસામી મૂળના હોવાથી સ્થાનિક લોકો તેમને આદરપૂર્વક 'આસામના જમાઈ' તરીકે સંબોધે છે. તેમના આ જોડાણને કારણે જ તેમણે અગાઉ પણ વર્ષ 2004માં અવકાશમાંથી બિહુની ભેટ આપી હતી.

આ વીડિયો વાયરલ થતાની સાથે જ નેટીઝન્સ દ્વારા માઇક ફિન્કની દેશી શૈલીના ભારોભાર વખાણ કરવામાં આવી રહ્યા છે. પોતાની પત્નીના વતન અને ભારતીય સંસ્કારો પ્રત્યેનો તેમનો આ લગાવ વિશ્વભરના વિજ્ઞાનીઓ અને સામાન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યો છે. માઇક ફિન્કે વર્ષ 2009ની પોતાની આસામ મુલાકાત દરમિયાન પણ યુવાનોને પ્રેરણા આપતા કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અનંત છે. વર્ષ 2025ના મિશન દરમિયાન ફરી એકવાર અવકાશમાં બિહુના સૂર રેલાવીને તેમણે સાબિત કરી દીધું છે કે સંસ્કૃતિના મૂળિયાં ગમે તેટલા દૂર હોય, તે હૃદયની સૌથી નજીક રહે છે.

(3:29 PM IST)