<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

હાસ્યનો સૂર અને સેવાની સરવાણી : પદ્મશ્રી ડો. જગદીશભાઈ ત્રિવેદીના અમેરિકાના સાત કાર્યક્રમો દ્વારા ગોરજ મુની સેવા આશ્રમને ચાર કરોડનું માતબર દાન

ન્યુયોર્કથી સેન્ટ લુઈસ સુધીના સફળ આયોજન દ્વારા કુલ ૪.૨૫ લાખ ડોલર એકત્રિત કરાયા : આજીવન અપરિણીત રહી સંસ્થાને સમર્પિત ડો. વિક્રમભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં દાતાઓનો અવિરત પ્રવાહ

રાજકોટ: જાણીતા હાસ્યકલાકાર, લેખક અને પદ્મશ્રી ડો. જગદીશભાઈ ત્રિવેદી હાલ ત્રણ મહિનાના અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેમના હાસ્ય દરબાર દ્વારા સેવાની ગંગા વહી રહી છે. જગદીશભાઈ ત્રિવેદીના આ પ્રવાસ દરમિયાન વિવિધ સેવાભાવી સંસ્થાઓ માટે કુલ ૨૦ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જે પૈકીના માત્ર સાત કાર્યક્રમો દ્વારા વડોદરા પાસેના ગોરજ ગામમાં સ્થિત 'મુની સેવા આશ્રમ' ને આશરે ચાર કરોડ રૂપિયા (૪,૨૫,૦૫૫ ડોલર) જેટલું જંગી દાન પ્રાપ્ત થયું છે.
વડોદરાના ગોરજમાં ચાલતા વિવિધ સેવા પ્રકલ્પો
વડોદરા નજીક ગોરજ ગામે સ્વ. અનુબહેન ઠક્કર દ્વારા વર્ષો પહેલા સ્થાપિત મુની સેવા આશ્રમ આજે વટવૃક્ષ બની ચૂક્યું છે. આ સંસ્થામાં હાલ કેન્સર હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ, નર્સિંગ કોલેજ, ભગિની મંદિર, ઉત્તર બુનિયાદી શાળા, એકલવ્ય મોડલ નિવાસી શાળા, આશ્રમશાળા, વૃદ્ધાશ્રમ અને વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર જેવા માનવતાવાદી કાર્યો ધમધમી રહ્યા છે.
અમેરિકાના સાત શહેરોમાં ડોલરનો વરસાદ
જગદીશભાઈ ત્રિવેદીના હાસ્ય કાર્યક્રમોમાં અમેરિકા વસતા ગુજરાતીઓએ સખાવતનો સુર પુરાવ્યો હતો. જેમાં વિવિધ શહેરોમાંથી મળેલ દાનની વિગતો નીચે મુજબ છે:
 * ન્યુયોર્ક: ૨૦,૦૦૦ ડોલર
 * સમરસેટ (ન્યુ જર્સી): ૧,૧૧,૫૫૫ ડોલર
 * વુરહીસ: ૯૭,૫૦૦ ડોલર
 * સિનસિનાટી: ૩૦,૦૦૦ ડોલર
 * ડીટ્રોઈટ: ૨૫,૦૦૦ ડોલર
 * હ્યુસ્ટન: ૧,૧૧,૦૦૦ ડોલર
 * સેન્ટ લુઈસ: ૩૦,૦૦૦ ડોલર
ડો. વિક્રમભાઈ પટેલનું સમર્પિત જીવન
સંસ્થાના ચેરમેન ડો. વિક્રમભાઈ પટેલ, જેઓ પોતે ડોક્ટર હોવા છતાં આજીવન અપરિણીત રહી સંસ્થાને પોતાનું જીવન સમર્પિત કરી ચૂક્યા છે, તેઓ તમામ સાત કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શ્રદ્ધાળુઓ અને દાતાઓને આશ્રમની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી રૂબરૂ વાકેફ કર્યા હતા.
અમેરિકાસ્થિત સેવકોનું સફળ આયોજન
આ ભગીરથ કાર્યને સફળ બનાવવામાં મુની સેવા ફાઉન્ડેશન-અમેરિકાના પ્રમુખ કિરીટભાઈ પટેલ અને ખજાનચી નીતિનભાઈ પટેલનું મહત્વનું યોગદાન રહ્યું છે. ન્યુયોર્કમાં ડો. યોગેન્દ્રભાઈ પટેલ, ડો. શ્યામ રાવ અને પકાભાઈ, સમરસેટમાં અલયભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ અને શ્રીમતી વર્ષાબેન પટેલ, વુરહીસમાં ડો. સુરેન્દ્રભાઈ શેઠ, ડો. પ્રહલાદભાઈ પટેલ, ડો. મનુભાઈ દઢાણીયા અને નટુભાઈ દેસાઈ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ ઉપરાંત સિનસિનાટીમાં કલ્પેશભાઈ પટેલ, રોહીતભાઈ પટેલ અને હરેશભાઈ પટેલ, ડીટ્રોઈટમાં અશોકભાઈ ઠક્કર અને અનિલભાઈ પટેલ, હ્યુસ્ટનમાં શ્રીમતી બીનાબહેન પટેલ અને શ્રીમતી નીનાબહેન દેસાઈ તેમજ સેન્ટ લુઈસમાં પ્રસંદભાઈ પટેલ અને ગૌરાંગભાઈ ભાવસારે પોતપોતાના શહેરોમાં આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)

 

(5:17 PM IST)