News of Wednesday, 9th September 2026
સાઉથ સુપરસ્ટાર વિજયે રચ્યો નવો મોરચો: 'સેક્યુલર સોશિયલ જસ્ટિસ વિક્ટરી એલાયન્સ' નામથી ચૂંટણી મેદાનમાં ઉતરશે ટીવીકે, રાજકારણમાં મોટો ગરમાવો!
કોંગ્રેસ, VCK, MDMK અને IUML સાથે મહાગઠબંધનની સત્તાવાર જાહેરાત; ૨૦૨૯ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદના ચહેરાને લઈને ગરમાયું રાજકારણ

ચેન્નાઈ : તમિલનાડુના રાજકારણમાં સુપરસ્ટારમાંથી રાજકારણી બનેલા સી. જોસેફ વિજયે બુધવારે એક મોટો અને ઐતિહાસિક ધડાકો કર્યો છે. તેમની પાર્ટી 'તમિલનાડુ વેટ્ટી કઝગમ' (TVK) એ આગામી ચૂંટણીઓ લડવા માટે ગઠબંધન સહયોગીઓ સાથે મળીને પોતાના મેગા મોરચાના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ચેન્નાઈના પનાયુર સ્થિત પાર્ટી મુખ્યાલય ખાતે યોજાયેલી મહત્વની બેઠક બાદ આ મહાગઠબંધનનું નામ 'સેક્યુલર સોશિયલ જસ્ટિસ વિક્ટરી એલાયન્સ' રાખવામાં આવ્યું છે.
દિગ્ગજ નેતાઓની હાજરીમાં રણનીતિ પર મંથન:
બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિકમ ટાગોર, પ્રવીણ ચક્રવર્તી તેમજ VCK ના પ્રમુખ થોલ તિરુમાવલવન, MDMK ના વડા વૈકો અને IUML ના નેતાઓ સહિતના પ્રભાવશાળી રાજકારણીઓ હાજર રહ્યા હતા. આ હાઇપ્રોફાઇલ બેઠકમાં ગઠબંધનના સામાન્ય લઘુત્તમ કાર્યક્રમ (CMP) અને ભાવિ રાજકીય રોડમેપ પર વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત સીપીઆઈ અને સીપીઆઈ(એમ) એ મોરચામાં સીધા જોડાવાને બદલે બહારથી ટીવીકે સરકારને ટેકો જાહેર કર્યો છે.
૨૦૨૯ ની ચૂંટણીમાં પીએમ ચહેરા અંગે ખેંચતાણ:
આ ગઠબંધનની જાહેરાત વચ્ચે સૌથી વધુ ચર્ચા ૨૦૨૯ ની લોકસભા ચૂંટણીના વડાપ્રધાન પદના ચહેરાને લઈને જાગી છે. ટીવીકેના કેટલાક અંતરંગ જૂથો સુપરસ્ટાર વિજયને ભાવિ વડાપ્રધાનના સંભવિત દાવેદાર તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા છે. બીજી તરફ, કોંગ્રેસ નેતૃત્વએ સ્પષ્ટપણે પુનરોચ્ચાર કર્યો છે કે રાહુલ ગાંધી જ ૨૦૨૯ માટે પાર્ટીના વડાપ્રધાન પદના પસંદગીના ઉમેદવાર રહેશે.
ધર્મનિરપેક્ષતા અને સામાજિક ન્યાયના એજન્ડા પર ચૂંટણી લડાશે:
તમિલનાડુ કોંગ્રેસના નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું છે કે આ નવું ગઠબંધન સંપૂર્ણપણે ધર્મનિરપેક્ષતા અને સામાજિક ન્યાયના પાયા પર કાર્ય કરશે. વિજયના આ નવા રાજકીય મોરચાના આગમનથી દક્ષિણ ભારત અને ખાસ કરીને તમિલનાડુના પરંપરાગત દ્રવિડિયન રાજકારણમાં મોટો ફેરફાર જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
