તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
શનિ-રવિવારે બાંદ્રા ટર્મિનસ અને અમદાવાદ વચ્ચે ખાસ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે :ટિકિટ બુકિંગ કેવી રીતે કરવું?
જાણો બાંદ્રા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનનુંટાઈમટેબલ,ક્યાં યા-કયા સ્ટેશનો પર મળશે સ્ટોપેજ અને ટ્રેનમાં કયા પ્રકારના કોચ ઉપલબ્ધ રહેશે?

વીકેન્ડમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે મુસાફરી કરનારા મુસાફરો માટે પશ્ચિમ રેલવેએ એક મહત્વનો નિર્ણય લીધો છે. રૂટ પર મુસાફરોની વધતી જતી ભીડને પહોંચી વળવા અને મુસાફરીને સુગમ બનાવવા માટે રેલવે તંત્ર દ્વારા બાંદ્રા ટર્મિનસ અને અમદાવાદ વચ્ચે ખાસ ભાડા પર સ્પેશિયલ ટ્રેન (ટ્રેન નં. 09023/09024) દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.
બાંદ્રા ટર્મિનસથી અમદાવાદ (ટ્રેન નં. 09023): આ સ્પેશિયલ ટ્રેન 21 નવેમ્બર, 2026 (શનિવાર)ના રોજ વહેલી સવારે 04:30 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી રવાના થશે. જે સવારે 05:00 વાગ્યે બોરીવલી અને સવારે 08:55 વાગ્યે સુરત સ્ટેશન પહોંચશે. ત્યારબાદ તે જ દિવસે બપોરે 01:50 (13:50) વાગ્યે અમદાવાદ પહોંચશે.
અમદાવાદથી બાંદ્રા ટર્મિનસ (ટ્રેન નં. 09024): વળતી મુસાફરીમાં આ ટ્રેન 22 નવેમ્બર, 2026 (રવિવાર) ના રોજ મોડી રાત્રે 02:30 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને તે જ દિવસે બપોરે 12:00 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચાડશે.
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ સ્પેશિયલ ટ્રેનને બંને દિશામાં મહત્વના સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેન અપ અને ડાઉન બંને રૂટ પર બોરીવલી, પાલઘર, વાપી, સુરત, ભરૂચ, વડોદરા અને આણંદ સ્ટેશનો પર ઊભી રહેશે.
દરેક વર્ગના મુસાફરો આ ટ્રેનમાં મુસાફરી કરી શકે તે માટે રેલવે દ્વારા વિવિધ શ્રેણીના કોચ જોડવામાં આવ્યા છે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી (1st AC), સેકન્ડ એસી (2nd AC), થર્ડ એસી (3rd AC), સ્લીપર ક્લાસ, ચેર કાર તેમજ જનરલ શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે.
ટ્રેન નંબર 09023 અને 09024 માટે ટિકિટ બુકિંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. મુસાફરો કોઈપણ રેલવે રિઝર્વેશન કાઉન્ટર પરથી અથવા ઘરે બેઠા IRCTCની સત્તાવાર વેબસાઈટ અને મોબાઈલ એપ પરથી ટિકિટ બુક કરાવી શકે છે. ટ્રેનના સમય અને કોચની સ્થિતિ અંગેની વધુ માહિતી માટે મુસાફરો રેલવેની વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર પણ તપાસ કરી શકે છે.
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
