<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

બાંગ્‍લાદેશમાં શેખ હસીનાની વાપસીની અટકળોથી ગોપાલગંજ છાવણીમાં ફેરવાયું: રૂ.૫૦૦ કરોડનું ભંડોળ રોકાયું

બાંગ્‍લાદેશ સંસદના સ્‍પીકર હાફિઝ ઉદ્દીન અહેમદની પ્રત્‍યાર્પણ મુદ્દે ભારતને આંતરરાષ્‍ટ્રીય અદાલતમાં ખેંચવાની ચેતવણી

ઢાકા, તા.૨૭: બાંગ્‍લાદેશમાં ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના સંભવિત પુનરાગમનના અહેવાલોએ તારિક રહેમાનની આગેવાની હેઠળની BNP સરકારની ઊંઘ હરામ કરી દીધી છે. અહેવાલો અનુસાર, ઓગસ્‍ટ ૨૦૨૪માં સત્તા ગુમાવ્‍યા બાદ ભારતમાં આશ્રય લઈ રહેલા શેખ હસીનાએ આગામી ૧૬ ડિસેમ્‍બરે સ્‍વદેશ પરત ફરવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરી હોવાની ચર્ચાએ જોર પકડ્‍યું છે, જેના કારણે તેમના પક્ષ આવામી લીગના સમર્થકો ફરી સક્રિય બન્‍યા છે. આ સ્‍થિતિને પગલે હસીનાના પૈતળક ગઢ ગણાતા ગોપાલગંજ જિલ્લામાં ભારે તણાવ સર્જાયો છે. સ્‍થાનિક અહેવાલો મુજબ, ૧૫ નવેમ્‍બરે આવામી લીગની રેલી હિંસક બન્‍યા બાદ તુંગીપારા અને મુકસુદપુર પોલીસ સ્‍ટેશનોને આગ ચાંપી દેવાઈ હતી, જ્‍યારે ૨૩ નવેમ્‍બરના પ્રદર્શનમાં ગોળીબાર સહિતની ઘટનાઓમાં ૨૦ લોકો ઘાયલ થયા હતા. કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવાના પડકાર વચ્‍ચે વહીવટીતંત્રે ગોપાલગંજને લશ્‍કરી છાવણીમાં ફેરવી દીધું છે, ૧૫ નવેમ્‍બરથી જિલ્લાને જોડતી ૫ ટ્રેન સેવાઓ સ્‍થગિત કરી છે અને આર્થિક નાકાબંધી સ્‍વરૂપે વિકાસ પ્રોજેક્‍ટ્‍સના આશરે રૂ.૫૦૦ કરોડના ભંડોળ તેમજ સ્‍થાનિક સંસ્‍થાઓની સહાયનો હપ્તો અટકાવી દીધો છે.

બીજી તરફ, આ આંતરિક રાજકીય સંકટે હવે આંતરરાષ્‍ટ્રીય અને રાજદ્વારી સ્‍વરૂપ ધારણ કર્યું છે. પાકિસ્‍તાનના છ દિવસના સત્તાવાર પ્રવાસે ગયેલા બાંગ્‍લાદેશ સંસદના અધ્‍યક્ષ હાફિઝ ઉદ્દીન અહેમદે પાકિસ્‍તાનની ધરતી પરથી નિવેદન આપ્‍યું છે કે જો ભારત શેખ હસીનાનું પ્રત્‍યાર્પણ નહીં કરે, તો ઢાકા આંતરરાષ્‍ટ્રીય ન્‍યાય અદાલતનો દરવાજો ખટખટાવશે. જોકે, કાનૂની નિષ્‍ણાતોના મતે બાંગ્‍લાદેશ માટે ICJમાં આ કેસ લઈ જવો સરળ નથી, કારણ કે ભારત-બાંગ્‍લાદેશ પ્રત્‍યાર્પણ સંધિની કલમ ૨૧માં પ્રત્‍યાર્પણ વિવાદને સીધો ICJમાં પડકારવાની કોઈ સ્‍પષ્ટ જોગવાઈ નથી. ભારતની સંમતિ વિના માત્ર માન્‍ય આંતરરાષ્‍ટ્રીય સંધિના આધારે જ કેસ આગળ વધી શકે તેમ હોવાથી ઢાકાએ નવો કાનૂની આધાર શોધવો પડશે.

આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે બાંગ્‍લાદેશ હાલમાં ત્રણ મોરચે ગંભીર રાજકીય કટોકટીનો સામનો કરી રહ્યું છેラએક તરફ હસીનાની વાપસીનો ડર, બીજી તરફ આવામી લીગ અને BNP વચ્‍ચેનો લોહિયાળ સંઘર્ષ અને ત્રીજી તરફ ભારત સાથે વણસતા રાજદ્વારી સંબંધો. તેમાંય બાંગ્‍લાદેશના સંસદીય સ્‍પીકરે પાકિસ્‍તાનમાં જઈને ભારત વિરુદ્ધ આપેલા નિવેદને આ મુદ્દાને પ્રાદેશિક ભૂ-રાજકારણ સાથે જોડી દીધો છે. આવનારા દિવસોમાં ૧૬ ડિસેમ્‍બરની તારીખ નજીક આવતા બાંગ્‍લાદેશનું આંતરિક રાજકારણ કઈ કરવટ લે છે અને તેની ભારત-પાકિસ્‍તાન-બાંગ્‍લાદેશ ત્રિકોણીય સંબંધો પર શી અસર પડે છે, તેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે.

 

(3:10 PM IST)