News of Saturday, 21st November 2026
કાવ્યા મારનના લગ્નની ખુશીમાં સ્ટાફને સોનાની વીંટીઓ અને ચોકલેટની ભેટ! : ચેન્નાઈમાં ભવ્ય રિસેપ્શન પૂર્વે વીડિયો અને કાર્ડ વાયરલ
અનિરુદ્ધ રવિચંદર સાથે ગ્રીસમાં લગ્ન બાદ સન ગ્રુપના કર્મચારીઓને ખાસ સરપ્રાઈઝ : ૨૫ નવેમ્બરે સ્ટાફ લંચ પાર્ટીનું આમંત્રણ અને આજે ચેન્નાઈમાં સ્ટાર-સ્ટડેડ રિસેપ્શન પર સૌની નજર

ચેન્નાઈ : સનરાઇઝર્સ હૈદરાબાદના સીઈઓ અને સન ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કાવ્યા મારન તથા લોકપ્રિય સંગીતકાર અનિરુદ્ધ રવિચંદરના લગ્નની ઉજવણી વચ્ચે સ્ટાફને અપાયેલી ખાસ ભેટની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી ચાલી રહી છે. વાયરલ થયેલા વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કાવ્યા મારને પોતાના લગ્નના અવસરે સન ગ્રુપના કર્મચારીઓને સોનાની વીંટીઓ, ચોકલેટનું બોક્સ અને ખાસ આમંત્રણ કાર્ડ ભેટમાં આપ્યા છે. ઓનલાઈન ફરતા વીડિયોમાં કર્મચારીઓ ભેટ અનબોક્સ કરતા અને ખુશી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે, જેના કારણે યુઝર્સમાં પણ આ સરપ્રાઈઝની ખાસ્સી પ્રશંસા થઈ રહી છે.
કર્મચારીઓને મળેલા આમંત્રણ કાર્ડ મુજબ, ૨૫ નવેમ્બરે બપોરે ૧ વાગ્યે સ્ટાફ માટે ખાસ લંચ પાર્ટીનું પણ આયોજન રાખવામાં આવ્યું છે, જેનાથી કર્મચારીઓનો ઉત્સાહ બમણો થયો છે. ઉલ્લેખનીય છે કે કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદરે ૧૧ નવેમ્બરના રોજ ગ્રીસમાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા, જેમાં સુપરસ્ટાર રજનીકાંત અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમકે સ્ટાલિન સહિતના પરિવારજનો હાજર રહ્યા હોવાનું જણાવાયું છે. લગ્ન અને પ્રી-વેડિંગ પ્રસંગોની તસવીરો અનિરુદ્ધ રવિચંદરે સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદ આ જોડી સતત ચર્ચામાં છે.
ભેટ અને લંચ પાર્ટીના અહેવાલો વચ્ચે સૌની નજર આજે, ૨૧ નવેમ્બરે ચેન્નાઈમાં યોજાનારા ભવ્ય રિસેપ્શન પર મંડાઈ છે. આ રિસેપ્શનમાં દક્ષિણ ભારતીય સિનેમા, રાજકારણ અને રમતગમત જગતની અનેક જાણીતી હસ્તીઓ હાજરી આપે તેવી શક્યતા છે. લગ્નની ખુશીમાં કર્મચારીઓને અપાયેલી આ ભેટ અને ભવ્ય રિસેપ્શનના આયોજને હાલ એન્ટરટેઇનમેન્ટ અને કોર્પોરેટ બંને વર્તુળોમાં ખાસ આકર્ષણ જમાવ્યું છે.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
