તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Tuesday, 22nd September 2026
સ્ટીલના ભાવ ચાર વર્ષની સર્વોચ્ચ સપાટીએ! બીજા છમાસિક ગાળામાં પણ ભાવ વધારો જળવાઈ રહેવાની શક્યતા: બિગમિન્ટનો અહેવાલ
કાચા માલના ભાવમાં ભડકો અને ચોમાસા પછી માળખાકીય ક્ષેત્રની માંગ વધતા સ્ટીલ મોંઘું: ઓટોમોબાઈલ, કન્સ્ટ્રક્શન અને કન્ઝ્યુમર ગુડ્સ ક્ષેત્ર પર પડશે સીધી અસર

નવી દિલ્હી : સ્થાનિક બજારમાં કોકિંગ કોલ જેવા કાચા માલના ભાવમાં થયેલા વિપુલ વધારા અને ચોમાસા બાદ તુરંત માંગમાં આવેલા ઉછાળાને કારણે દેશમાં સ્ટીલના ભાવ ચાર વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. માર્કેટ રિસર્ચ સંસ્થા 'બિગમિન્ટ' (BigMint) ના તાજેતરના અહેવાલ મુજબ, સ્ટીલના ભાવમાં જોવા મળી રહેલું આ તેજીનું વલણ વર્તમાન નાણાકીય વર્ષના બાકીના છ મહિના દરમિયાન પણ જળવાઈ રહેવાની પૂરેપૂરી શક્યતા છે.
આંકડાકીય વિગતો અનુસાર, વૈશ્વિક અને સ્થાનિક સ્તરે બહોળા પ્રમાણમાં વપરાતા હોટ રોલ્ડ (HR) અને કોલ્ડ રોલ્ડ (CR) સ્ટીલના ભાવ હાલમાં અનુક્રમે ટનદીઠ રૂ. ૬૪,૦૦૦ અને રૂ. ૭૫,૦૦૦ ની સપાટી આસપાસ બોલાઈ રહ્યા છે. સ્ટીલના ભાવનું આટલું ઊંચું સ્તર આ અગાઉ જૂન, ૨૦૨૨માં જોવા મળ્યું હતું. ગત ૧ ઓગસ્ટથી અત્યાર સુધીમાં હોટ રોલ્ડ કોઈલના ભાવમાં ટનદીઠ રૂ. ૬,૦૦૦ અને કોલ્ડ રોલ્ડ સ્ટીલમાં રૂ. ૮,૦૦૦ નોંગીપાત્ર વધારો નોંધાયો છે.
કાચા માલના ભાવમાં ભડકો અને માંગમાં વૃદ્ધિ
બિગમિન્ટના વિશ્લેષકોના જણાવ્યા મુજબ, સ્ટીલ ઉત્પાદનમાં અતિ મહત્વના ગણાતા આયાતી કોકિંગ કોલના ભાવ ટનદીઠ ૬૫ ડોલરથી વધીને સીધા ૩૦૫ ડોલરે પહોંચી ગયા છે. આ ઉપરાંત આયર્ન ઓરના ભાવમાં પણ ટનદીઠ રૂ. ૨૦૦ થી ૨૫૦ નો વધારો થતા તે રૂ. ૪,૫૦૦ ની સપાટીએ પહોંચ્યા છે. નોંધનીય છે કે બ્લાસ્ટ ફર્નેસ મારફતે થતા સ્ટીલના કુલ ઉત્પાદન ખર્ચમાં એકલા કોકિંગ કોલનો હિસ્સો ૩૦ ટકા જેટલો હોય છે.
અહેવાલ અનુસાર, ચાલુ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન દેશમાં સ્ટીલના વપરાશમાં વર્ષાનુવર્ષ ધોરણે ૭ ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. દેશના કુલ સ્ટીલ ઉત્પાદનમાંથી આશરે ૬૦ ટકા વપરાશ એકલા બાંધકામ (Construction) અને માળખાકીય (Infrastructure) ક્ષેત્રમાં થાય છે, જ્યાં ચોમાસા પછી માંગમાં મોટો ઉછાળો આવતો હોય છે. આ ઉપરાંત ઓટોમોબાઈલ અને હોમ એપ્લાયન્સિસ ઉદ્યોગ તરફથી પણ મજબૂત માંગ મળી રહી હોવાથી આગામી દિવસોમાં સ્ટીલના ભાવ નીચે આવવાની કોઈ શક્યતા દેખાતી નથી.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
