News of Wednesday, 23rd September 2026
સ્ટીલના ભાવ ૪ વર્ષની ટોચે... માર્ચ સુધી ઊંચા રહેશે
કોકિંગ કોલ સહિતના રો મટીરિયલના ભાવ વધતા સ્ટીલનું ઉત્પાદન પણ મોંઘું થતા ભાવ આસમાને : ૧ ઓગસ્ટથી HRCના ભાવમાં ટનદીઠ ૬૦૦૦નો વધારો કરાયો છે, જ્યારે CRCના ભાવમાં ટનદીઠ ૮૫૦૦નો ભાવવધારો કરાયો

નવી દિલ્હી તા.૨૩: સ્થાનિક બજારમાં સ્ટીલના ભાવ ચાર વર્ષની ટોચે પહોંચી ગયા છે. કોકિગ કોલ સહિતના રો મટીરિયલના ભાવ વધતા સ્ટીલનું ઉત્પાદન પણ મોંઘું થતા ભાવ આસમાને પહોંચ્યા છે. ચોમાસા પછીની માંગ નીકળતા ભાવ ઊંચકાયા હોવાનું માર્કેટ રિસર્ચ ફર્મ બિગમિન્ટના રિપોર્ટનું તારણ છે. તેના મતે ઊંચા ભાવ આગામી માર્ચ મહિના સુધી જળવાઈ રહે તેવી પણ સંભાવના છે. વૈશ્વિક સ્તર પર જે બે પ્રકારની ફલેટ સ્ટીલ પ્રોડક્ટ્સ વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે તે હોટ રોલ્ડ કોઈલ (HRC)ના ભાવ ટનદીઠ રૂા.૬૪,૦૦૦ બોલાયા છે અને કોલ્ડ રોલ્ડ કોઈલ (CRC)ના ભાવ રૂા.૭૫,૦૦૦ બોલાયા છે. જૂન-૨૦૨૨ પછીથી આ સૌથી વધુ ભાવ છે.
૧ ઓગસ્ટથી HRCના ભાવમાં ટનદીઠ ૬૦૦૦નો વધારો કરાયો છે, જ્યારે CRCના ભાવમાં ટનદીઠ રૂા.૮૫૦૦નો ભાવવધારો કરાયો છે. ઓગસ્ટની શરૂઆતમાં HRCના ભાવ રૂા.૫૮,૦૦૦ હતા, જ્યારે CRCના ભાવ રૂા.૬૬,૫૦૦ હતા. સ્ટીલ ઉત્પાદન માટે જરૂરી મુખ્ય રો મટીરિયલ કોકિગ કોલની આયાત કરવી પડી રહી છે. કોકિગ કોલના ભાવ એક જ મહિનામાં ૬૫ ડોલર વધીને ટનદીઠ ૩૦૫ ડોલર થઈ ગયા છે. આયર્ન ઓર ફાઈન્સના ભાવ ટનદીઠ રૂા.૨૦૦-૨૫૦ વધારીને રૂા.૪૫૦૦ થયા છે. બ્લાસ્ટ ફર્નેસ રૂટ મારફતે થતા સ્ટીલ ઉત્પાદનના ખર્ચમાં ૩૦ ટકા યોગદાન કોકિંગ કોલનું છે.
એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન દેશમાં સ્ટીલનો વપરાશ ૭ ટકા વધીને ૭ કરોડ ટન થયો છે. રિપોર્ટ અનુસાર સ્ટીલના ભાવ ચાલુ નાણાકીય વર્ષમાં નીચા આવવાની શક્યતા નથી કારણ કે કન્સ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં માંગ મજબૂત જળવાઈ રહેશે તેવી સંભાવના છે. આ બે સેક્ટરમાં જ દેશની સ્ટીલની કુલ માંગ પૈકી ૬૦ ટકા માંગ રહે છે. આ બન્ને સેક્ટરમાં ચોમાસા પછી માંગ વધતી જોવા મળે છે. આથી આગામી દિવસોમાં માંગ વધવાની શક્યતા છે. આ ઉપરાંત ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રીમાં પણ માંગ વધે તેવી શક્યતા છે HRC અને CRC ફલેટ સ્ટીલ છે જેનો ઉપયોગ ઓટો, એપ્લાયન્સીસ અને કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝમાં થાય છે. આથી સ્ટીલના ભાવ વધવાથી વાહનો, કન્ઝ્યુમર ગુડ્ઝના ભાવ પણ વધશે અને મકાનોના ભાવ પર પણ તેની અસર થશે તેમ જણાય છે.(૩૮.૪)
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
