<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

મુસ્‍કાન છોડો ઉર્મિલાના કુકર્મો જોયા... પ્રેમી સાથે મળીને આત્‍મા કંપી ઊઠે તેવું કામ કર્યું

ઉત્તર પ્રદેશના બાગપતની એક હચમચાવતી ઘટના સામે આવીઃ એક પત્‍નીએ તેના પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો

બાગપત તા.૨૨: ઉત્તર પ્રદેશના બાગપતમાં પતિની હત્‍યાની એક એવી ઘટના સામે આવી છે, જેણે પોલીસને પણ ચોંકાવી દીધી છે. આરોપ છે કે પત્‍નીએ પ્રેમી સાથે મળીને પોતાના જ પતિની હત્‍યાનું કાવતરું ઘડ્‍યું હતું. હત્‍યા દરમિયાન તે વોટ્‍સએપ પર પ્રેમી પાસેથી સતત એપડેટ લઈ રહી હતી. પ્રેમીએ પતિની હત્‍યાની પુષ્ટિ કરતાં જ પત્‍નીએ તેનો નંબર બ્‍લોક કરી દીધો હતો. પોલીસના જણાવ્‍યા અનુસાર, આ કાવતરામાં પતિને દારૂ પીવડાવવાથી લઈને CCTV કેમેરાથી બચવા સુધીની યોજના બનાવવામાં આવી હતી. પોલીસે આ કેસમાં આરોપી પત્‍ની ઉર્મિલા અને તેના પ્રેમી સિકંદરની ધરપકડ કરી છે.

આ કેસ બાગપત જિલ્‍લાના બડૌત કોતવાલી વિસ્‍તારના કોતાના ગામનો છે. ૧૮ ઓક્‍ટોબર, ૨૦૨૬ના રોજ ગામના આશરે ૫૦ વર્ષના પ્રમોદ ઉર્ફે મોગલીનો મૃતદેહ તેના ખેતરમાં ટ્‍યૂબવેલ પાસે મળી આવ્‍યો હતો. પ્રમોદ રામલીલા જોવા જવાનું કહીને ઘરેથી નીકળ્‍યો હતો, પરંતુ પાછો ફર્યો નહોતો. તે લાંબા સમય સુધી ઘરે ન પહોંચતાં પરિવારજનો ચિતિત હતા. ત્‍યારબાદ તેનો મૃતદેહ મળી આવ્‍યો હોવાની જાણ થતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો.

માહિતી મળતાં પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી હતી અને તપાસ કરી હતી. શરૂઆતમાં જ આ મામલો હત્‍યાનો હોવાનું જણાતું હતું. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ આગળ વધતાં શંકાની સોય પ્રમોદની પત્‍ની ઉર્મિલા અને તેના પ્રેમી સિકંદર તરફ ફરી હતી. પૂછપરછ અને તપાસમાં સામે આવેલી વિગતોના આધારે આ કેસમાં પ્રેમસંબંધ અને કથિત હત્‍યાના કાવતરાની વિગતો બહાર આવવા લાગી હતી.

પોલીસના જણાવ્‍યા અનુસાર, આરોપી સિકંદર પ્રમોદની દુકાન ભાડે રાખીને બાઇક રિપેરિગનું કામ કરતો હતો. આ દરમિયાન તેની ઓળખાણ પ્રમોદની પત્‍ની ઉર્મિલા સાથે થઈ હતી. ધીમે-ધીમે બંને વચ્‍ચે નિકટતા વધી અને પ્રેમસંબંધ બંધાયો હતો. આરોપ છે કે બંને છુપાઈને હોટલોમાં પણ મળતા હતાં.

થોડા સમય બાદ પ્રમોદના પુત્રને બંનેના સંબંધની જાણ થઈ ગઈ હતી. ત્‍યારબાદ સિકંદરે પ્રમોદના ઘરે આવવાનું બંધ કરી દીધું હતું, પરંતુ બંને વચ્‍ચે ફોન પર વાતચીત ચાલુ રહી હતી. પોલીસની પૂછપરછ મુજબ, ઉર્મિલા તેના પ્રેમી સિકંદર સાથે દેહરાદૂન જઈને નવું જીવન શરૂ કરવા માગતી હતી. આરોપ છે કે આ જ ઇચ્‍છાને કારણે બંનેએ પ્રમોદને રસ્‍તામાંથી હટાવવાની યોજના બનાવી હતી.

પોલીસના જણાવ્‍યા અનુસાર, ૧૮ ઓક્‍ટોબરે ઉર્મિલાએ સિકંદરને પોતાના ઘેર બોલાવ્‍યો હતો અને તેને ૨ ગોળીઓ આપી હતી. આરોપ છે કે આ ગોળીઓ પ્રમોદના દારૂમાં ભેળવીને તેને વધુ નશામાં લાવવાની અને ત્‍યારબાદ તેની હત્‍યા કરવાની યોજના હતી. ત્‍યારબાદ સિકંદરે કથિત રીતે કોતાના પ્રાથમિક શાળા પાસે પ્રમોદને દારૂની એક બોટલ આપી હતી અને તેને પોતાના ટ્‍યૂબવેલ પર જવા કહ્યું હતું. સિકંદર પોતે નાસ્‍તો લઈને ખેતરના રસ્‍તે ટ્‍યૂબવેલ તરફ ગયો હતો. પોલીસના જણાવ્‍યા અનુસાર, ઉર્મિલાએ તેને ઘ્‍ઘ્‍વ્‍સ્‍ કેમેરાથી બચવા માટે રસ્‍તા પરથી નહીં જવાની સલાહ આપી હતી. આ જ કારણે સિકંદર ખેતરના રસ્‍તે ત્‍યાં પહોંચ્‍યો હતો.

પોલીસની તપાસમાં સામે આવ્‍યું કે ટ્‍યૂબવેલ પર પહોંચ્‍યા બાદ સિકંદરે પ્રમોદના દારૂમાં ઉર્મિલાએ આપેલી ગોળીઓ ભેળવી દીધી હતી. ત્‍યારબાદ ઘટનાક્રમે એવો વળાંક લીધો, જેનો અંત પ્રમોદના મોતમાં આવ્‍યો. પોલીસના જણાવ્‍યા અનુસાર, આ હત્‍યાકાંડમાં સૌથી ચોંકાવનારી બાબત વોટ્‍સએપ પર થયેલી વાતચીત છે. આરોપ છે કે ઘટનાને અંજામ આપતી વખતે સિકંદર સતત ઉર્મિલાના સંપર્કમાં હતો. ઉર્મિલા તેને પૂછતી રહેતી હતી કે ત્‍યાં શું થઈ રહ્યું છે અને હત્‍યાની સ્‍થિતિ શું છે. આમ, તે પ્રેમી પાસેથી પોતાના પતિની હત્‍યા અંગે સતત અપડેટ લઈ રહી હતી.

પોલીસના જણાવ્‍યા અનુસાર, પ્રમોદને નશો ચઢવા લાગ્‍યો ત્‍યારે સિકંદરે તેને જમીન પર પાડવાનો પ્રયાસ કર્યો હતો. પ્રમોદે બચાવ કરતાં સિકંદરે દારૂની ખાલી બોટલથી તેના માથા પર ૩થી ૪ વાર કર્યા હતા. બોટલ તૂટી ગયા બાદ તેના અડધા તૂટેલા ભાગથી પણ હુમલો કરવામાં આવ્‍યો હતો. આરોપ છે કે પ્રમોદ બેભાન થઈ ગયા બાદ સિકંદર તેને ટ્‍યૂબવેલથી આશરે ૨૦થી ૨૫ પગલાં દૂર શેરડીના ખેતરમાં ખેંચીને લઈ ગયો હતો. ત્‍યાં તેના મોતની ખાતરી કર્યા બાદ તે ઘટનાસ્‍થળેથી ભાગી છૂટ્‍યો હતો. આ દરમિયાન ઉર્મિલા વોટ્‍સએપ પર તેના સંપર્કમાં હતી.

પોલીસના જણાવ્‍યા અનુસાર, હત્‍યા કર્યા બાદ સિકંદર રામલીલા જોવા જતો રહ્યો હતો. ત્‍યાં પહોંચ્‍યા બાદ ઉર્મિલાનો વોટ્‍સએપ મેસેજ આવ્‍યો હતો, જેમાં તેણે ઘટના અંગે પૂછ્‍યું હતું. સિકંદરે તેને હત્‍યાને અંજામ આપ્‍યાની પુષ્ટિ કરી હતી. ત્‍યારબાદ ઉર્મિલાએ સિકંદરને કહ્યું હતું કે તે તેનો નંબર બ્‍લોક કરી રહી છે અને જરૂર પડશે ત્‍યારે પોતે ફોન કરશે.

તપાસમાં બીજી એક મહત્ત્વની બાબત સામે આવી હતી. પોલીસના જણાવ્‍યા અનુસાર, ઉર્મિલાએ મેસેજ ડિલીટ કર્યા તે પહેલાં સિકંદરે વોટ્‍સએપ પર થયેલી વાતચીતના કેટલાક સ્‍ક્રીનશોટ લઈ લીધા હતા. આ સ્‍ક્રીનશોટ અને અન્‍ય પુરાવા પોલીસની તપાસમાં મહત્ત્વની કડી બન્‍યા હતા. બંને વચ્‍ચે સંપર્ક માટે થયેલી આ જ વાતચીત કથિત રીતે કેસની તપાસમાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ હતી.

ગામના રહેવાસી વિજયપાલના જણાવ્‍યા અનુસાર, પ્રમોદ ટ્‍યૂબવેલ પાસે શંકાસ્‍પદ હાલતમાં પડેલો મળી આવ્‍યો હતો. ત્‍યાં ચપ્‍પલ અને લોહીના નિશાન પણ મળ્‍યાં હતાં. પ્રમોદ ઘરેથી રામલીલા જોવા જવાનું કહીને નીકળ્‍યો હતો. ગ્રામજનોના જણાવ્‍યા અનુસાર, બોટલથી હુમલો કરીને તેનો ચહેરો કચડી નાખવામાં આવ્‍યો હતો. આ ઘટના બાદ ગામમાં ચકચાર મચી ગઈ હતી. પ્રમોદના પરિવાર માટે એ માનવું મુશ્‍કેલ હતું કે તેની હત્‍યા પાછળ તેની પત્‍ની અને તેના પરિચિતનું નામ સામે આવી શકે છે. પોલીસે ઘટનાસ્‍થળેથી મળેલા તથ્‍યો અને અન્‍ય પુરાવાના આધારે તપાસ આગળ વધારી હતી.

બડૌત કોતવાલી પોલીસના જણાવ્‍યા અનુસાર, પ્રમોદની હત્‍યાનો ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન તપાસમાં તેની પત્‍ની ઉર્મિલા અને સિકંદરનાં નામ સામે આવ્‍યાં હતાં. પોલીસનું કહેવું છે કે બંનેએ સાથે મળીને હત્‍યાનું કાવતરું ઘડ્‍યું હતું અને તે મુજબ ઘટનાને અંજામ આપ્‍યો હતો. હાલમાં પોલીસે ઉર્મિલા અને સિકંદરની ધરપકડ કરી છે. આ કેસમાં પતિની હત્‍યાનું કથિત કાવતરું, દારૂમાં ગોળીઓ ભેળવવાની યોજના, CCTV કેમેરાથી બચવાની તૈયારી અને વોટ્‍સએપ પર થયેલી વાતચીત જેવા પાસાઓની તપાસ મહત્ત્વપૂર્ણ રહી હતી.

(1:21 PM IST)