News of Friday, 27th November 2026
દિલજીત દોસાંઝના મુંબઈ કોન્સર્ટ માટે કડક ગાઈડલાઈન્સ: પોસ્ટર, ઝંડા, મેકઅપ કિટ અને પેન પર પ્રતિબંધ
'ઓરા ઈન્ડિયા ટૂર ૨૦૨૬' અંતર્ગત મહાલક્ષ્મી ખાતેના શો માટે ટિકિટિંગ પાર્ટનર દ્વારા માર્ગદર્શિકા જારી; સુરક્ષાના કારણોસર કડક નિયમો અમલમાં, ચાહકોને વહેલા પહોંચવા અપીલ

મુંબઈ, તા.૨૭: ગ્લોબલ પંજાબી સિંગર દિલજીત દોસાંઝની 'ઓરા ઈન્ડિયા ટૂર ૨૦૨૬' અંતર્ગત મુંબઈના મહાલક્ષ્મી ખાતે આયોજિત કોન્સર્ટમાં હજારો ચાહકોની સંભવિત ભીડ અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ટિકિટિંગ પાર્ટનર દ્વારા દર્શકો માટે કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સુરક્ષા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી આયોજકોએ પોસ્ટર, ઝંડા, મેકઅપ સામગ્રી અને પેન સહિતની અનેક ચીજવસ્તુઓ સ્થળ પર લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.
નવી ગાઈડલાઈન્સ મુજબ કોન્સર્ટ સ્થળે કોઈપણ પ્રકારના પોસ્ટર, બેનર, સાઇનબોર્ડ કે હાથથી બનાવેલા ઝંડા લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત મેકઅપ પ્રોડક્ટ્સ, ક્રીમ, ડિઓડરન્ટ, એરોસોલ અને સ્પ્રે સનસ્ક્રીન જેવી વસ્તુઓ પણ પ્રતિબંધિત યાદીમાં સામેલ કરવામાં આવી છે.
સુરક્ષાના દૃષ્ટિકોણથી પેન, માર્કર, છરી, બ્લેડ, અણીદાર જ્વેલરી, લાઇટર, લેઝર પોઇન્ટર, વોટર બલૂન, ઈંડા અને છત્રી જેવી ચીજો પણ અંદર લઈ જઈ શકાશે નહીં. સાથોસાથ કાચ, મેટલ કે પ્લાસ્ટિકની કોઈપણ ખાલી બોટલ, મોટી બેગ, બેકપેક, લેપટોપ, ટેબ્લેટ, પ્રોફેશનલ કેમેરા, ટ્રાયપોડ, સેલ્ફી સ્ટિક, ગો-પ્રો (GoPro) અને ડ્રોન પર પણ કડક પ્રતિબંધ રહેશે.
બીજી તરફ, દર્શકો પોતાની સાથે પાવરબેંક (Powerbank) અને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથેની જરૂરી દવાઓ લઈ જઈ શકશે. પ્રવેશ માટે ફોટો ધરાવતું સત્તાવાર આઈડી કાર્ડ (ID Proof) સાથે રાખવું ફરજિયાત રહેશે, તેમજ શહેરના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ચાહકોને નિર્ધારિત સમય કરતાં વહેલા પહોંચવા અને ગ્રાઉન્ડ પરની સુરક્ષા ટીમની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.
આ કડક નિયમો પાછળની પૃષ્ઠભૂમિમાં અઠવાડિયાની શરૂઆતમાં દિલજીતના બેંગલુરુ કોન્સર્ટ દરમિયાન વિસ્ફોટ કરવાની ધમકી આપતો ખાલિસ્તાન તરફી સૂત્રો લખેલો ઈ-મેઇલ પોલીસને મળ્યાની ઘટના સામે આવી હતી. અગાઉ મે મહિનામાં કેનેડામાં યોજાયેલા કોન્સર્ટમાં પણ કેટલાક લોકોએ ખાલિસ્તાન સમર્થક ઝંડા ફરકાવ્યા હતા, જેમને સુરક્ષા ટીમે બહાર કાઢ્યા હતા.
આ ઘટનાક્રમો બાદ મુંબઈ કોન્સર્ટમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે અને તંત્ર તથા આયોજકો દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે. હવે કોન્સર્ટ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અને દર્શકો દ્વારા ગાઈડલાઈન્સના પાલનની સ્થિતિ પર સૌની નજર રહેશે.
(5:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
