News of Friday, 24th April 2026
ગરમીનો પારો હવે ‘નવો લુક’ ધારણ કરશે: IMD એ લોન્ચ કર્યો ‘હીટ ઇન્ડેક્સ’; માત્ર તાપમાન જ નહીં, ભેજ પણ જણાવશે કે શરીરને કેટલી ગરમી લાગશે
હવામાન વિભાગનો નવો પ્રયોગ: ‘ફીલ્સ લાઈક’ તાપમાનથી જાણી શકાશે વાસ્તવિક ગરમી; ઉનાળાની અસ્વસ્થતા સામે બચવા લોકોને મળશે સચોટ માર્ગદર્શન

નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગ (IMD) એ વધતા જતા તાપમાન અને અસહ્ય ઉકળાટ વચ્ચે એક ક્રાંતિકારી 'પ્રાયોગિક ગરમી સૂચકાંક' (Heat Index) લોન્ચ કર્યો છે. અત્યાર સુધી આપણે માત્ર હવામાં કેટલું તાપમાન છે તે જાણી શકતા હતા, પરંતુ હવે આ નવો ઇન્ડેક્સ તાપમાનની સાથે હવામાં રહેલા ભેજ (Humidity) ને પણ માપશે. આનાથી એ જાણી શકાશે કે ખરેખર માનવ શરીરને ગરમીની કેટલી તીવ્રતા અનુભવાઈ રહી છે, જેને સામાન્ય ભાષામાં ‘તાપમાન જેવું લાગે છે’ (Feels Like Temperature) કહેવામાં આવે છે.
ભેજ અને ગરમીનું જોખમી મિશ્રણ
ઘણીવાર એવું બને છે કે તાપમાન ઓછું હોય છતાં આપણને અસહ્ય ગરમી અને પરસેવો થતો હોય છે. તેનું મુખ્ય કારણ હવામાં રહેલો ભેજ છે. અત્યાર સુધી હીટ વેવની વ્યાખ્યા માત્ર તાપમાનના આંકડા પરથી નક્કી કરવામાં આવતી હતી, પરંતુ હવે IMD અધિકારીઓના જણાવ્યા મુજબ, ભેજને કારણે થતી અસ્વસ્થતાને પણ ધ્યાનમાં લેવામાં આવશે. આ સૂચકાંક ગરમીના તણાવનું વધુ વાસ્તવિક અને સચોટ ચિત્ર રજૂ કરશે.
માનવ શરીર પર થતી અસરનો અંદાજ
IMD ના આગાહી અધિકારી પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે, ગરમી સૂચકાંક એ માનવ અસ્વસ્થતાના સૂચક તરીકે કામ કરશે. જ્યારે ગરમી અને ભેજ બંનેનું સ્તર ઊંચું હોય, ત્યારે શરીરને ઠંડું રાખવાની કુદરતી પ્રક્રિયા (પરસેવો સુકાવવાની પ્રક્રિયા) ધીમી પડી જાય છે. આ નવો ઇન્ડેક્સ લોકોને વધારાની સાવચેતી રાખવા અને સ્વાસ્થ્ય સંબંધી જોખમો ઘટાડવા માટે સમયસર માર્ગદર્શન પૂરું પાડશે.
કેવી રીતે કામ કરશે આ નવો સૂચકાંક?
આ સૂચકાંક હવાના તાપમાન અને સંબંધિત ભેજને જોડીને ગણતરી કરશે. દાખલા તરીકે, જો તાપમાન ૩૮°C હોય અને ભેજનું પ્રમાણ વધારે હોય, તો હીટ ઇન્ડેક્સ મુજબ તે શરીરને ૪૨°C જેવું અનુભવાઈ શકે છે. આ પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલું પગલું ભારતના વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં ગરમીની અસરને સમજવામાં માઇલસ્ટોન સાબિત થશે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
