News of Thursday, 29th October 2026
સૂપર અલ નીનોનો ખૌફનાક કહેર: આગામી 5 મહિનામાં વિશ્વભરમાં અતિશય ગરમીથી સાડા ત્રણ લાખથી વધુ લોકોના મોતની આશંકા, ભારતમાં પણ ભારે જોખમ
'ક્લાઇમેટ ઇમ્પેક્ટ લેબ'ના ડરામણા નકશામાં ખુલાસો: નાઈજીરીયા અને બ્રાઝિલની સાથે ભારત પણ સૌથી વધુ જોખમી દેશોની યાદીમાં સામેલ; પ્રશાંત મહાસાગરમાં પાણીનું તાપમાન ૩.૪ ડિગ્રી સેલ્સિયસ વધ્યું.

નવી દિલ્હી: હવામાનની એક અત્યંત ખતરનાક અને અસામાન્ય ઘટના તરીકે ઓળખાતા 'સૂપર અલ નીનો' (Super El Niño) ને લઈને એક ડરાવનારી રિપોર્ટ અને નકશો સામે આવ્યા છે. 'ક્લાઇમેટ ઇમ્પેક્ટ લેબ' દ્વારા જાહેર કરવામાં આવેલા આ આંકડાઓ અનુસાર, આગામી પાંચ મહિનામાં વિશ્વભરમાં અતિશય ગરમી અને હીટવેવના કારણે સાડા ત્રણ લાખથી વધુ લોકોએ પોતાના પ્રાણ ગુમાવવાનો વારો આવી શકે છે. આ ગંભીર જોખમની ઝપેટમાં ભારત પણ સીધી રીતે આવી ગયું છે.
ઓક્ટોબર ૨૦૨૬ થી માર્ચ ૨૦૨૭ વચ્ચે સર્જાશે વિકટ સ્થિતિ
'અલ નીનો હીટ મોર્ટાલિટી ટ્રેકર' નામના આ ભયાવહ ટ્રેકર અને નકશા મુજબ, ઓક્ટોબર ૨૦૨૬ થી માર્ચ ૨૦૨૭ દરમિયાન વૈશ્વિક સ્તરે ૩,૭૩,૦૦૦ થી વધુ વધારાના લોકોના મોત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ આંકડા દર્શાવે છે કે આ કુલ મોતોમાંથી એક તૃતીયાંશ જેટલી જાનહાનિ માત્ર ત્રણ મુખ્ય દેશો—નાઈજીરીયા, ભારત અને બ્રાઝિલમાં થઈ શકે છે.
સમુદ્રનું તાપમાન અસાધારણ રીતે ઊંચું ગયું
આ ગંભીર પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ પ્રશાંત મહાસાગરમાં તાપમાનનું વધવું છે. પૂર્વીય-મધ્ય પ્રશાંત મહાસાગરના 'નીનો 3.4' ક્ષેત્રમાં પાણીનું તાપમાન સામાન્ય કરતા ૩.૪ ડિગ્રી સેલ્સિયસ (૬ ડિગ્રી ફેરનહીટથી વધુ) ઉપર પહોંચી ગયું છે. વિશ્વ મોસમી સંગઠન (WMO) ના જણાવ્યા અનુસાર, આ સ્થિતિ આગામી મહિનાઓમાં તાપમાનને સામાન્ય અલ નીનો કરતા છ ગણાથી પણ વધુ વધારી શકે છે.
કયા દેશોમાં સૌથી વધુ જોખમ?
સંશોધકોના રિપોર્ટ મુજબ, આગામી સમયમાં સૌથી ભીષણ ગરમીનો પ્રકોપ નીચે મુજબના દેશોમાં જોવા મળી શકે છે:
નાઈજીરીયા: આ યાદીમાં નાઈજીરીયા સૌથી મોરચે છે, જ્યાં ૫૬,૦00 થી વધુ લોકોના મોતની આશંકા છે.
ભારત: નાઈજીરીયાની બરાબર પછી જ ભારતનું નામ આવે છે, જ્યાં આ ભયાનક ગરમીના કારણે ૫૫,૨00 લોકોના જીવન પર ગંભીર જોખમ તોળાઈ રહ્યું છે.
ઇન્ડોનેશિયા: અહીં ૨૯,૩00 લોકો જીવ ગુમાવી શકે છે (જ્યાં જંગલોમાં આગ જેવી સમસ્યાઓ પણ સર્જાઈ છે).
બ્રાઝિલ: બ્રાઝિલમાં ૧૯,૫00 લોકોના મોતનું જોખમ છે.
સૂડાન: અહીં ૧૪,૭00 લોકોની જાન જવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
સરકારો માટે અગાઉથી ચેતવણીરૂપ પગલું
યુનિવર્સિટી ઓફ શિકાગોના પ્રોફેસર અને આ લેબના સહ-સંસ્થાપક માઈકલ ગ્રીનસ્ટોનના મતે, અતિશય ગરમીના આવા ખતરનાક પ્રકોપ અને સંભવિત મોતોનો અગાઉથી અંદાજ મેળવી લેવાથી નીતિ-નિર્માતાઓ અને સરકારોને સમયસર યોગ્ય પગલાં ભરીને નાગરિકોના જીવ બચાવવાની તક મળી રહે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વિજ્ઞાન આધારિત નકશો સરકારોને ગરમીથી બચવાના આગોતરા આયોજન માટે એલર્ટ મોડ પર મૂકી દે છે.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
