<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

રામમંદિર દાન ચોરી મામલે ટ્રસ્‍ટને સુપ્રીમ કોર્ટની નોટીસઃ યુપી સરકારને SIT રીપોર્ટ રજુ કરવાનો આદેશ

કોર્ટે સમગ્ર વિવાદને ગંભીર ગણાવીને ૨૦ તારીખ સુધીમાં સપૂર્ણ દસ્‍તાવેજો રજુ કરવા કહયું

અયોધ્‍યા, તા.૧૩: કરોડો ભક્‍તોની આસ્‍થાના કેન્‍દ્ર સમાન અયોધ્‍યા રામ મંદિરમાં દાન ચોરીનો હાઈપ્રોફાઈલ વિવાદ હવે દેશની સર્વોચ્‍ચ અદાલતમાં પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે દાખલ કરાયેલી જાહેર હિતની અરજીઓ પર કડક વલણ અપનાવતા કેન્‍દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર અને રામ જન્‍મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્‍ટને નોટિસ ફટકારીને તાત્‍કાલિક જવાબ માંગ્‍યો છે. કોર્ટે આ સમગ્ર વિવાદને અત્‍યંત ગંભીર ગણાવીને આગામી સોમવાર સુધીમાં અત્‍યાર સુધીની તપાસનો સંપૂર્ણ સ્‍ટેટસ રિપોર્ટ અને સંબંધિત દસ્‍તાવેજો રજૂ કરવા આદેશ કર્યો છે, જેનાથી કૌભાંડીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીઓમાં મુખ્‍યત્‍વે બે મોટી માંગણીઓ કરવામાં આવી છે, જે અંતર્ગત ઘટના સમયના તમામ સીસીટીવી ફૂટેજ તાત્‍કાલિક સુરક્ષિત રાખવા અને સમગ્ર કેસની તપાસ લોકલ પોલીસ પાસેથી લઈને સીબીઆઈને સોંપવાની અપીલ કરાઈ છે. સુનાવણી દરમિયાન મુખ્‍ય ન્‍યાયાધીશ એ સ્‍પષ્ટ કર્યું કે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી SIT એ અત્‍યાર સુધી શું કાર્યવાહી કરી તેની વિગતો અને તેના સભ્‍યોની લિસ્‍ટ અદાલત સમક્ષ મૂકવી પડશે. આ આદેશ સાથે જ અદાલતે આસ્‍થા સાથે જોડાયેલા આ સંવેદનશીલ મામલામાં પારદર્શિતા લાવવા માટે કમર કસી લીધી છે.

આ હાઈ-વોલ્‍ટેજ સુનાવણી દરમિયાન કેન્‍દ્ર સરકાર વતી હાજર સોલિસિટર જનરલે રામ મંદિર ટ્રસ્‍ટને નોટિસ જારી કરવાનો સખત વિરોધ કર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે આ વાંધાને નકારી કાઢીને ટ્રસ્‍ટ પાસેથી પણ ખુલાસો માંગ્‍યો છે. સરકારે આ મામલાનો તપાસ અહેવાલ સીલબંધ પરબિડીયામાં આપવાની તૈયારી દર્શાવી છે, જ્‍યારે અરજદારોએ તેની નકલ મેળવવા માંગ કરી છે જેના પર કોર્ટે કાયદાકીય સમીક્ષાની ખાતરી આપી છે. આગામી સોમવારે થનારી સુનાવણીમાં આ ચોરી પાછળ કયા મોટા માથાઓનો હાથ છે તેનો પર્દાફાશ થઈ શકે છે. 

(2:45 PM IST)