તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Thursday, 19th November 2026
ફ્લેટ ખરીદનારાઓને સુપ્રીમ કોર્ટની રાહત : 'જ્યાં સુધી ઘરનો કબજો ન મળે ત્યાં સુધી બેંકો કોઈ જબરદસ્તી કાર્યવાહી નહીં કરી શકે'
બેંગલુરુના અધૂરા હાઉસિંગ પ્રોજેક્ટના 4,500 પરિવારોને મોટી રાહત : 95% રકમ ચૂકવવા છતાં 2022 થી ઘર માટે ભટકતા ગ્રાહકો પરથી EMI અને ભાડાના બેવડા માર વચ્ચે બેંકોની કડક કાર્યવાહીનું જોખમ ટળ્યું : કોર્ટે NCLT અથવા હાઇકોર્ટમાં જવાની આપી છૂટ

નવી દિલ્હી : પોતાના સપનાના ઘર માટે જીવનભરની મૂડી લગાવી દેનાર અને ફ્લેટની 95 ટકા જેટલી માતબર રકમ ચૂકવી દીધા છતાં વર્ષોથી કબજા માટે ભટકતા 4,500 જેટલા ઘર ખરીદનારાઓને સુપ્રીમ કોર્ટે આજે મોટી કાનૂની રાહત આપી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનની ખંડપીઠે ગુરુવારે એક મહત્વપૂર્ણ આદેશ જારી કરતા સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ખરીદદારોને તેમના ફ્લેટનો કબજો ન મળે, ત્યાં સુધી બેંકો કે નાણાકીય સંસ્થાઓ તેમની સામે કોઈ પણ પ્રકારની જબરદસ્તી કાર્યવાહી કરી શકશે નહીં. બેંગલુરુના 'GM ઇન્ફિનિટ ગ્લોબલ ટેકીઝ ટાઉન' પ્રોજેક્ટમાં નાદારી નોંધાવનાર બિલ્ડર ગુલામ મુસ્તફા એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડની લાપરવાહીનો ભોગ બનેલા હજારો પરિવારો માટે આ ચુકાદો સંજીવની સમાન સાબિત થયો છે.
આ સમગ્ર વિવાદમાં ખરીદદારોની વ્યથા એવી હતી કે કરાર મુજબ જાન્યુઆરી 2022 સુધીમાં તેમને ફ્લેટનો કબજો મળી જવાનો હતો, પરંતુ પ્રોજેક્ટના ત્રણ ટાવરમાંથી માત્ર ટાવર-C ને જ ઓક્યુપન્સી સર્ટિફિકેટ (OC) મળ્યું છે, જ્યારે ટાવર-A અને B નું બાંધકામ હજુ પણ અધૂરું લટકી રહ્યું છે. ઘર ન મળ્યું હોવા છતાં ખરીદદારોને એક તરફ બેંકના હોમ લોનના હપ્તા (EMI) ભરવા પડી રહ્યા છે અને બીજી તરફ રહેવા માટે મકાનનું ભાડું ચૂકવવું પડી રહ્યું છે. આ બેવડા આર્થિક બોજ વચ્ચે નાદારીની પ્રક્રિયા દરમિયાન પોતાના રોકાણની સુરક્ષા અને લોનના હપ્તામાંથી કામચલાઉ રાહત મેળવવા માટે ખરીદદારોએ સર્વોચ્ચ અદાલતના દ્વાર ખટખટાવ્યા હતા.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે ખરીદદારોએ મકાનની કિંમતનો મોટો હિસ્સો ચૂકવી દીધો હોવાથી તેઓ કોઈ પણ સંજોગોમાં દોષિત નથી, તેથી કબજો મળે ત્યાં સુધી તેમની સામે કડક પગલાં ન લેવા જોઈએ. આ ઉપરાંત, આ મામલો કર્ણાટક રાજ્યનો હોવાથી ખંડપીઠે અરજીનો નિકાલ કરતા ખરીદદારોને તેમની બાકીની ફરિયાદો અને અધૂરા પ્રોજેક્ટને પૂર્ણ કરાવવા માટે કર્ણાટક હાઇકોર્ટ અથવા બેંગલુરુ સ્થિત નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ સમક્ષ રજૂઆત કરવાની છૂટ આપી છે. આ આદેશ બાદ હવે આગામી દિવસોમાં NCLT અને હાઇકોર્ટમાં બિલ્ડરની મિલકતો અને અધૂરા ટાવરના બાંધકામને લઈને નિર્ણાયક કાનૂની જંગ તેજ બનશે, જે દેશભરના આવા અન્ય અટવાયેલા પ્રોજેક્ટના ખરીદદારો માટે પણ નવી આશા જગાવી શકે છે.
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
