News of Wednesday, 9th September 2026
કારમાં સીટ બેલ્ટ અને ચાઇલ્ડ સેફ્ટીની ઘોર ઉપેક્ષા પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: માર્ગ પરિવહન મંત્રાલયને કડક અમલીકરણ માટે તપાસ કરવા આપ્યા આદેશ!
માર્ગ અકસ્માતોમાં થતાં માસૂમોના મોત અત્યંત દુઃખદ; સીજેઆઈ સૂર્યકાંતની બેન્ચે કહ્યું- 'કાયદો બનાવવો પૂરતો નથી, કાયદા પાલન કરાવતી એજન્સીઓએ કડક અમલવારી કરાવવી પડશે'

નવી દિલ્હી : દેશમાં માર્ગ અકસ્માતો અને તેના કારણે થતા અકાળ અવસાન અંગે સુપ્રીમ કોર્ટે ભારે ચિંતા વ્યક્ત કરી છે. મોટર વાહન અધિનિયમ હેઠળ કારમાં પાછળની સીટ પર બેસનારાઓ માટે સીટ બેલ્ટ અને નાના બાળકો માટે 'ચાઇલ્ડ સેફ્ટી સીટ' જેવા અત્યંત મૂળભૂત સુરક્ષા નિયમોના નબળા અમલીકરણ બદલ સર્વોચ્ચ અદાલતે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયને આકરી ઝાટકની સાથે તપાસ કરવા આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે વાહન સલામતીમાં આવી બેદરકારીના કારણે લોકો જીવ ગુમાવે અથવા આજીવન અપંગ બની જાય તે સ્થિતિ અત્યંત કમનસીબ અને દુઃખદ છે.
સીજેઆઈ સૂર્યકાંતની બેન્ચમાં સુનાવણી:
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને વી. મોહનાની બનેલી ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે તબીબ અને સંશોધક ડૉ. જોથીદેવ કેસવદેવ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર આ સુનાવણી કરી હતી. અરજદારના વકીલ વિલ્સ મેથ્યુઝે અદાલતમાં રજૂઆત કરી હતી કે મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ હેઠળ ફરજિયાત એવા સીટ બેલ્ટ અને બાળ સુરક્ષાના નિયમોનું મોટાભાગે પાલન થતું જ નથી, જેના કારણે બંધારણની કલમ ૨૧ હેઠળ મળેલા નાગરિકોના 'જીવન જીવવાના અધિકાર'નું હનન થઈ રહ્યું છે.
"માત્ર કાયદો બનાવવાથી હત્યાઓ નથી અટકતી": સુપ્રીમ કોર્ટ
સુનાવણી દરમિયાન ચર્ચા કરતા મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે ટિપ્પણી કરી હતી કે કાયદાનું પાલન કરાવવું એ કાર્યપાલિકા (સત્તાવાળાઓ) નું કામ છે. દેશના દરેક વાહનચાલક પર નજર રાખવી સુપ્રીમ કોર્ટ માટે શક્ય નથી. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે, "આપણે હત્યાના કેસોમાં આજીવન કેદની જોગવાઈ કરી છે, પરંતુ શું તેનાથી હત્યાઓ થતી અટકી ગઈ છે? કાયદાનો કડક અમલ કરાવવો એ કાયદા અમલીકરણ અધિકારીઓની પ્રાથમિક જવાબદારી છે."
ફેન્સી એસેસરીઝ સુરક્ષા કરતાં વધુ મહત્વની બની ગઈ:
અરજદારે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે વાહનોમાં લોકો ફેન્સી સીટ કવર અને શો-પીસ જેવી એસેસરીઝ પર ધ્યાન આપે છે, પણ મૂળભૂત સુરક્ષા સાધનોને નજરઅંદાજ કરે છે. આ અંગે સરકારને રજૂઆત કરી હોવા છતાં કોઈ જવાબ ન મળતાં તેઓ કોર્ટના શરણે આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે મંત્રાલયને આ અરજીમાં ઉઠાવાયેલા તમામ મુદ્દાઓ અને દસ્તાવેજો ચકાસીને તાત્કાલિક યોગ્ય પગલાં ભરવા નિર્દેશ આપ્યો છે.
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
