<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

તામિલનાડુમાં ગૌહત્‍યા પરના વ્‍યાપક પ્રતિબંધ સામે સુપ્રીમનો સ્‍ટેઃ મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય પર બ્રેક લગાવી

પશુ સંરક્ષણ કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ ન્‍યાયિક અતિરેક માન્‍ય ન હોઈ શકેઃ રાજ્‍ય સરકારની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે નોટિસ ફટકારી

ચેન્નઈ, તા.૧૩: તમિલનાડુમાં ગાય અને વાછરડાની કતલ પર સંપૂર્ણ અને કાયમી પ્રતિબંધ મૂકતા મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે પલટી નાખ્‍યો છે. સુપ્રીમ કોર્ટે બકરી ઈદ કે અન્‍ય કોઈ પણ સામાન્‍ય દિવસે રાજ્‍યમાં ગમે ત્‍યાં ગૌહત્‍યા પર લગાવવામાં આવેલા આ વ્‍યાપક પ્રતિબંધ પર વચગાળાનો સ્‍ટે આપી દીધો છે. જસ્‍ટિસ વિક્રમ નાથ અને જસ્‍ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે તમિલનાડુ સરકાર દ્વારા દાખલ કરાયેલી સ્‍પેશિયલ લીવ પિટિશન પર સુનાવણી હાથ ધરીને સંબંધિત પક્ષકારોને નોટિસ પાઠવી છે. અદાલતે ટિપ્‍પણી કરી કે હાઈકોર્ટના આદેશના પ્રારંભિક આધાર અને છેલ્લા ફકરામાં કાયદાકીય દૃષ્ટિએ સુધારણાની મોટી જરૂરિયાત દેખાઈ રહી છે.

કોર્ટમાં રાજ્‍ય સરકારનું પ્રતિનિધિત્‍વ કરી રહેલા વરિષ્ઠ વકીલ ડૉ.અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે હાઈકોર્ટનો આ આદેશ તમિલનાડુ પશુ સંરક્ષણ અધિનિયમ, ૧૯૫૮ની મૂળભૂત જોગવાઈઓથી તદ્દન વિપરીત છે. આ સરકારી કાયદો સ્‍પષ્ટપણે જોગવાઈ કરે છે કે ૧૦ વર્ષથી વધુ ઉંમરની ગાયો, જે કામ કરવા કે પ્રજનન માટે અસમર્થ હોય, તેને યોગ્‍ય સરકારી પ્રમાણપત્ર મેળવ્‍યા બાદ કતલખાનામાં લઈ જઈ શકાય છે. આ ઉપરાંત, પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ અને સ્‍થાનિક સંસ્‍થાઓના નિયમો પશુઓની કતલ માટેની ચોક્કસ શરતો અને નિયમો નક્કી કરે છે, પરંતુ તેના પર કયારેય સંપૂર્ણ પ્રતિબંધ લાદતા નથી. હાઈકોર્ટે કાયદાકીય જોગવાઈઓ ઓળંગીને ન્‍યાયિક કાયદો લાદવાનો પ્રયાસ કર્યો છે.

આ સમગ્ર વિવાદ હિન્‍દુ મક્કલ કાચી નામના સંગઠન દ્વારા દાખલ કરાયેલી એક જાહેર હિતની અરજી બાદ શરૂ થયો હતો, જેમાં માત્ર બકરી ઈદના તહેવાર પર જાહેર સ્‍થળોને બદલે નિયત કરાયેલા કતલખાનાઓમાં જ પશુ બલિ આપવામાં આવે તેવી મર્યાદિત માંગ કરવામાં આવી હતી. જોકે, હાઈકોર્ટે આ કેસનો વ્‍યાપ આખા રાજ્‍ય સ્‍તરે વધારી દઈને કાયમી પ્રતિબંધનો આદેશ આપી દીધો હતો. હાઈકોર્ટે દૂધ ઉત્‍પાદન અને ગ્રામીણ અર્થતંત્ર સુધારવાના જૂના સરકારી આદેશો તેમજ સુ-ીમ કોર્ટના અગાઉના ચુકાદાઓનો હવાલો આપ્‍યો હતો કે બકરી ઈદ માટે ગાયની કતલ ફરજિયાત ધાર્મિક પ્રથા નથી. હવે સુપ્રીમ કોર્ટે સ્‍પષ્ટ કર્યું છે કે કાયદાની વિરુદ્ધ જઈને આવો કોઈ ન્‍યાયિક આદેશ આપી શકાય નહીં, જેને પગલે તમિલનાડુમાં કાનૂની વિવાદ વધુ રસપ્રદ બન્‍યો છે. 

(3:24 PM IST)