<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

સર્વોચ્ચ અદાલતે કર્ણાટક હાઈકોર્ટનો બાઈક ટેક્સીને મંજૂરી આપતો આદેશ માન્ય રાખ્યો: રાજ્ય સરકારની અરજી ફગાવી

ઓલા, ઉબેર અને રેપિડો સહિતના એગ્રીગેટર્સને મોટી રાહત, નિયમન હેઠળ પરમિટ અને રજિસ્ટ્રેશનનો માર્ગ ખુલ્લો, પરંપરાગત ઓટો-ટેક્સી સંગઠનોનો વિરોધ.

નવી દિલ્હી, તા.૨૦: સર્વોચ્ચ અદાલતે શુક્રવારે કર્ણાટક હાઈકોર્ટના તે આદેશને માન્ય રાખ્યો છે, જેમાં રાજ્યમાં બાઈક ટેક્સી સેવાઓને મંજૂરી આપવામાં આવી હતી, અને આ નિર્ણયને પડકારતી કર્ણાટક સરકારની અરજી ફગાવી દેતાં ઓલા, ઉબેર તથા રેપિડો જેવા એગ્રીગેટર્સને રાહત મળી છે.

અહેવાલો મુજબ, ન્યાયમૂર્તિ સતીશ ચંદ્ર શર્મા અને ન્યાયમૂર્તિ એન. કોટીશ્વર સિંહની ખંડપીઠે રાજ્ય સરકારની અપીલ ફગાવી દેતાં હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો, જેમાં મોટરસાઈકલને ટ્રાન્સપોર્ટ વાહન તરીકે નોંધણી કરાવીને કોન્ટ્રાક્ટ કેરેજ તરીકે ચલાવવાની છૂટ અપાઈ હતી.

ખંડપીઠે આદેશ દરમિયાન નોંધ્યું હતું કે બાઈક ટેક્સી પર પ્રતિબંધ મૂકવા કરતાં તેનું નિયમન કરવું વધુ યોગ્ય છે અને સુરક્ષા, વીમા તથા પરમિટ સંબંધિત નિયમોના પાલન સાથે આ સેવાઓ ચાલી શકે છે.

બીજી તરફ, કર્ણાટક સરકારે મોટરસાઈકલને ટ્રાન્સપોર્ટ વાહન ગણવા સામે દલીલો રજૂ કરી હતી, જ્યારે પરંપરાગત ઓટો અને ટેક્સી ચાલક સંગઠનોએ સમાન નિયમનકારી જવાબદારીઓ વગર બાઈક ટેક્સીના સંચાલન સામે વાંધો ઉઠાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કર્ણાટક હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ અગાઉના પ્રતિબંધના આદેશને પલટાવીને બાઈક ટેક્સી સંચાલકો અને માલિકોની અપીલો મંજૂર કરી હતી, જેના વિરુદ્ધ રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી.

હવે કર્ણાટકમાં બાઈક ટેક્સી પરમિટ અને નોંધણીની પ્રક્રિયા, રાજ્યના પરિવહન વિભાગના નિયમો અને મુસાફરો તથા ચાલકો પર પડનારી અસર પર સૌની નજર રહેશે.

(5:23 PM IST)