News of Tuesday, 21st July 2026
હનીમૂન મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ધડાકો: પતિની હત્યાની આરોપી સોનમ રઘુવંશીને બે શરતો, 'સરન્ડર કરો અથવા સીધો ચુકાદો સંભળાવીએ!'
મધ્યપ્રદેશના ચર્ચિત રાજા રઘુવંશી કેસમાં મેઘાલય સરકારની સુપ્રીમ કોર્ટમાં ધારદાર અપીલ: સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જામીનનો કર્યો આકરો વિરોધ

નવી દિલ્હી : દેશભરમાં ભારે ચકચાર મચાવનારા ઇન્દોરના વેપારી રાજા રઘુવંશી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મુખ્ય આરોપી અને મૃતકની પત્ની સોનમ રઘુવંશી પ્રત્યે આકરો વલણ અપનાવ્યું છે. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પી.બી. વરાલેની બેન્ચે સોનમના જામીન રદ કરવાની મેઘાલય સરકારની અરજી પર સુનાવણી કરતા આરોપીને સ્પષ્ટપણે બે આકરા વિકલ્પો આપ્યા છે.
સુપ્રીમ કોર્ટે મૌખિક ટિપ્પણી કરતાં સોનમના વકીલને કહ્યું કે, "તમારી પાસે બે જ વિકલ્પો છે: કાં તો અમે કેસના ગુણદોષ પર સીધો આદેશ આપીશું, અથવા સોનમે તાત્કાલિક સરન્ડર કરવું પડશે અને સરકારી સાક્ષીઓની ઉલટતપાસ થવા દેવી પડશે, જેના આધારે બાદમાં જામીન પર નિર્ણય લેવાશે." સોનમના વકીલે પોતાના અસીલ સાથે ચર્ચા કરવા માટે ગુરુવાર સુધીનો સમય માંગ્યો છે.
પ્રેમી સાથે મળીને હનીમૂનમાં જ રચ્યું હતું પતિની હત્યાનું કાવતરું
મેઘાલયના સોહરા (ચેરાપુંજી) વિસ્તારમાં ૨૩ મે, ૨૦૨૫ ના રોજ હનીમૂન માટે ગયેલા ઇન્દોરના રાજા રઘુવંશી ગુમ થઈ ગયા હતા. ૨ જૂનના રોજ ઊંડી કોતરમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે પત્ની સોનમ રઘુવંશીએ જ પોતાના પ્રેમી અને ભાડૂતી હત્યારાઓ સાથે મળીને પતિ રાજાની નિર્મમ હત્યા કરાવી હતી.
સરકારની ધારદાર દલીલો અને કાનૂની પેચ
મેઘાલય હાઈકોર્ટે નીચલી કોર્ટના જામીનના નિર્ણયને યથાવત રાખતા કહ્યું હતું કે ધરપકડની પ્રક્રિયામાં ખામી હતી. જોકે, સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે આરોપી સોનમે પોતે જ આત્મસમર્પણ કર્યું હતું, જેથી ધરપકડનું કારણ ન બતાવવાનો દાવો પોકળ છે. તેમણે જામીન તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
