તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૫ શુક્રવાર
News of Friday, 25th September 2026
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક અને ભાવુક આદેશ: શહીદ પાઈલટની પત્ની પ્રિયંકા સક્સેનાને ભારતીય વાયુસેનામાં 'સ્ક્વોડ્રન લીડર' તરીકે પુનઃસ્થાપિત કરવા કડક નિર્દેશ!
'દેશ માટે શહીદ વિંગ કમાન્ડરના બલિદાનને ભૂલી શકાય નહીં': બંધારણની કલમ ૧૪૨ હેઠળ વિશેષ સત્તાનો ઉપયોગ કરી સુપ્રીમ કોર્ટે આર્મ્ડ ફોર્સીસ ટ્રિબ્યુનલનો આદેશ રદ કર્યો

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે દેશની સેવા અને સમર્પણના ક્ષેત્રમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે ભારતીય વાયુસેના (IAF) ને નિર્દેશ આપ્યો છે કે તેઓ ભૂતપૂર્વ 'શોર્ટ સર્વિસ કમિશન્ડ' મહિલા અફસર પ્રિયંકા સક્સેનાને તેમની ભૂતકાળની ૧૦ વર્ષની સેવાને ધ્યાનમાં રાખીને વાયુસેનામાં 'સ્ક્વોડ્રન લીડર' તરીકે પુનઃસ્થાપિત કરે. પ્રિયંકા સક્સેના યુદ્ધ-વિધવા (War Widow) છે, જેમના પતિ વિંગ કમાન્ડર હર્ષિત સિંહા ડિસેમ્બર ૨૦૨૧માં જેસલમેરમાં મિગ-૨૧ બાયસન (MiG-21 Bison) ફાઈટર જેટ દુર્ઘટનામાં દેશ માટે શહીદ થયા હતા.
"પતિના બલિદાનને અવગણી ન શકાય" - સુપ્રીમ કોર્ટ
ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી અને વી. મોહનાની ખંડપીઠે સંવેદનશીલતા દર્શાવતા મૌખિક ટિપ્પણી કરી હતી કે, "રાષ્ટ્ર માટે તેમના સ્વર્ગસ્થ પતિના યોગદાનને કોઈ પણ સંજોગોમાં અવગણી શકાય નહીં." પ્રિયંકા સક્સેનાએ ૨૦૧૩માં પોતાની ૨ સગીર પુત્રીઓની સંભાળ અને પરિવાર માટે સેવા છોડી હતી. પતિના શહીદ થયા બાદ તેમણે ફરી સેવામાંડા માટે અપીલ કરી હતી, પરંતુ ૩૫ વર્ષની વયમર્યાદાના નીતિગત કારણોસર તેમની માંગ ફગાવી દેવાઈ હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે તેઓ ભૂતપૂર્વ અફસર પણ છે અને યુદ્ધ-વિધવા પણ છે, તેથી તેમના અનુભવને કાયદાકીય ટેકનિકલતામાં બાંધી ન શકાય.
રિફ્રેશર ટ્રેનિંગ બાદ સ્ક્વોડ્રન લીડર તરીકે થશે પુનઃસ્થાપના
સુપ્રીમ કોર્ટે આર્મ્ડ ફોર્સીસ ટ્રિબ્યુનલ (AFT) ના જૂના આદેશો રદ કરીને બંધારણની કલમ ૧૪૨ હેઠળ પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કર્યો હતો. કોર્ટના આદેશ અનુસાર, સક્સેનાએ સૌપ્રથમ ૧ વર્ષની 'રિફ્રેશર તાલીમ' અને તબીબી માપદંડો પૂર્ણ કરવા પડશે. ત્યારબાદ તેમની અગાઉની સેવાને ધ્યાનમાં રાખીને ૧૧મા વર્ષના 'સ્ક્વોડ્રન લીડર' તરીકે તેમને ૪ વર્ષના સેવા-વિસ્તરણ સાથે પુનઃસ્થાપિત કરવામાં આવશે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે આ આદેશ માત્ર આ કેસની વિશેષ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે અને તેને ભવિષ્યના અન્ય કેસો માટે દાખલા (Precedent) તરીકે ગણવામાં આવશે નહીં.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
