News of Wednesday, 22nd April 2026
બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ: “અમે વાસ્તવિકતાથી આંખો બંધ ન કરી શકીએ”, ન્યાયાધીશોના ઘેરાવને ગણાવી અસાધારણ પરિસ્થિતિ
શું ED એ એવા રાજ્ય પાસે ન્યાય માંગવો જોઈએ જેની મશીનરી પર જ આક્ષેપ છે? મમતા બેનર્જી અને પોલીસ સામે CBI તપાસની માંગ પર સુપ્રીમ કોર્ટમાં જોરદાર દલીલો, જાણો કોર્ટે કેમ કહ્યું - ‘આ રામ વિરુદ્ધ શ્યામનો કેસ નથી’

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા રાજકીય અને કાનૂની જંગમાં આજે સુપ્રીમ કોર્ટે અત્યંત આકરું વલણ અપનાવ્યું છે. આઈ-પીએસી (I-PAC) કાર્યાલયમાં તપાસ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના કામમાં અવરોધ ઊભો કરવાના મામલે સુનાવણી કરતી વખતે કોર્ટે રાજ્ય સરકારની દલીલોને ફગાવી દીધી હતી. જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં અત્યારે જે પ્રકારની અસાધારણ પરિસ્થિતિ છે, તેમાં કોર્ટ માત્ર કાનૂની સિદ્ધાંતોના સહારે બેસી રહી શકે નહીં.
ન્યાયાધીશોને બંધક બનાવાય તે ગંભીર બાબત
સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં બનેલી એ ઘટનાનો ઉલ્લેખ કર્યો જેમાં ફરજ પરના ન્યાયિક અધિકારીઓનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને તેમને બંધક બનાવવામાં આવ્યા હતા. જસ્ટિસ મિશ્રાએ રાજ્ય સરકારના વકીલને પ્રશ્ન કર્યો કે, “અમે જોયું છે કે ન્યાયિક અધિકારીઓને કામ કરતા અટકાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં તમે કેવી રીતે અપેક્ષા રાખી શકો કે ED સામાન્ય મેજિસ્ટ્રેટ પાસે જઈને ફરિયાદ કરે? અમે વાસ્તવિક વ્યવહારિક પરિસ્થિતિને નજરઅંદાજ ન કરી શકીએ.”
રાજ્ય અને કેન્દ્ર વચ્ચેનો વિવાદ નહીં, પણ અસાધારણ મુકદ્દમો
રાજ્ય સરકાર વતી દલીલ કરવામાં આવી હતી કે આ વિવાદ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ વાત સાથે અસંમતિ દર્શાવતા કહ્યું કે, જ્યારે કોઈ વર્તમાન મુખ્યમંત્રી (મમતા બેનર્જી) ચાલુ તપાસમાં દખલ કરતા હોવાનો આક્ષેપ હોય, ત્યારે તેને માત્ર રાજ્ય-કેન્દ્રનો વિવાદ ગણી શકાય નહીં. જસ્ટિસ મિશ્રાએ ટિપ્પણી કરી કે, “આ ફક્ત રામ વિરુદ્ધ શ્યામ વચ્ચેનો સામાન્ય મુકદ્દમો નથી. આ એક એવો કેસ છે જેમાં લોકશાહી અને કાયદાના શાસનની રૂપરેખા જ અલગ છે.”
“અમને અવલોકનો કરવા મજબૂર ન કરો”
સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્ય સરકારના વકીલોને ચેતવણી પણ આપી હતી. ન્યાયાધીશે કહ્યું કે, “અમને એવી ટિપ્પણીઓ કરવા માટે દબાણ ન કરો જેની આવતીકાલે હેડલાઇન્સ બને અને પછી તમે કહો કે ચૂંટણીના માહોલમાં કોર્ટે આવી ટિપ્પણી કરી. બંધારણ એક જીવંત દસ્તાવેજ છે અને દરેક નવી પરિસ્થિતિ સાથે કોર્ટે નવા પ્રશ્નોના જવાબ આપવા પડશે.”
શું છે સમગ્ર મામલો?
તૃણમૂલ કોંગ્રેસના રાજકીય સલાહકાર આઈ-પીએસીના કાર્યાલયમાં તપાસ કરવા ગયેલી ED ની ટીમને કથિત રીતે રોકવામાં આવી હતી. આ મામલે મમતા બેનર્જી અને રાજ્ય પોલીસ સામે CBI દ્વારા FIR નોંધવાની માંગ કરતી અરજી પર સુનાવણી ચાલી રહી છે. બીજી તરફ, રાજ્ય પોલીસે ED અધિકારીઓ સામે જ વળતી FIR નોંધી છે, જેને પણ પડકારવામાં આવી છે.
હવે જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટ પશ્ચિમ બંગાળની આ ‘અસાધારણ પરિસ્થિતિ’માં તપાસ એજન્સીઓની સુરક્ષા અને કાયદાના શાસન માટે કેવો ઐતિહાસિક આદેશ આપે છે.
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
