News of Friday, 26th June 2026
દેશભરની ખાનગી યુનિવર્સિટીઓની કાર્યપદ્ધતિ પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ
શિક્ષણ સેવા છે કે વેપાર? માર્કશીટ સુધારાની સામાન્ય ફરિયાદથી શરૂ થયેલો કેસ બન્યો દેશવ્યાપી: ૩૦ જૂને ખાનગી યુનિવર્સિટીઓના મેનેજમેન્ટની તાકીદની બેઠક

રાજકોટ: આયેશા જૈન વિરુદ્ધ એમિટી યુનિવર્સિટી (રિટ પિટિશન સિવિલ નં. ૫૩૧/૨૦૨૫) નો કેસ હવે માત્ર એક સામાન્ય વિદ્યાર્થીનીની વ્યક્તિગત ફરિયાદ પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ તેણે સમગ્ર દેશની ખાનગી યુનિવર્સિટીઓ માટે ભવિષ્યની દિશા નક્કી કરતો એક ઐતિહાસિક અને વ્યાપક વળાંક લીધો છે. સર્વોચ્ચ અદાલતે સવાલ ઉઠાવ્યો છે કે જો એક સામાન્ય વિદ્યાર્થીને પોતાની માર્કશીટ કે ડિગ્રીમાં યોગ્ય સુધારો કરાવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી આવવું પડતું હોય, તો આ સમસ્યા માત્ર એક યુનિવર્સિટીની નહીં, પરંતુ સમગ્ર ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાની છે. આ વિચાર સાથે કોર્ટે કેસનો વ્યાપ વધારી સમગ્ર ભારતની ખાનગી યુનિવર્સિટીઓના સંચાલન અને નિયંત્રણના પ્રશ્નોને તેમાં સામેલ કર્યા છે.
સુપ્રીમ કોર્ટે સૌથી પહેલાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુ જી સી), શિક્ષણ મંત્રાલય, તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પક્ષકાર બનાવીને દેશમાં ખાનગી યુનિવર્સિટીઓના સંચાલન, જમીન-મૂડીની જરૂરિયાતો, ફરિયાદ નિવારણ વ્યવસ્થા અને “નો પ્રોફિટ – નો લોસ” સિદ્ધાંતના અમલીકરણ અંગે જવાબ માંગ્યા છે. કોર્ટે તમામ રાજ્યો અને યુ જી સી પાસેથી વિગતવાર શપથપત્રો (એફિડેવિટ) દાખલ કરવા આદેશ આપ્યો હતો. ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન કોર્ટે નોંધ્યું કે રજૂ થયેલા આ દસ્તાવેજોનું વિશ્લેષણ કરવા માટે કાનૂની નિષ્ણાતોની સહાય લેવાઈ રહી છે. અદાલત માત્ર આ કેસનો નિકાલ લાવવા માંગતી નથી, પરંતુ સમગ્ર ખાનગી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર માટે વ્યાપક માર્ગદર્શિકા (નેશનલ પ્રાઇવેટ યુનિવર્સિટી કોડ) અને જવાબદારીની નવી વ્યવસ્થા વિકસાવવા ઇચ્છે છે
મૂળ કેસ શું હતો? આયેશા જૈન વિરુદ્ધ એમિટી યુનિવર્સિટી
આ કેસની શરૂઆત એક અત્યંત સામાન્ય શૈક્ષણિક પ્રશ્નથી થઈ હતી. આયેશા જૈન નામની એક વિદ્યાર્થીનીએ પોતાના શૈક્ષણિક દસ્તાવેજોમાં નામ અને સંબંધિત વિગતો સુધારવા માટે એમિટી યુનિવર્સિટી સમક્ષ રજૂઆત કરી હતી. લાંબા સમય સુધી યુનિવર્સિટી તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા, અંતે તેણે દેશની સર્વોચ્ચ અદાલતનો દરવાજો ખખડાવ્યો હતો. આ રિટ પિટિશન પર સુનાવણી કરતા કોર્ટે વિદ્યાર્થીનીની હાડમારીની ગંભીર નોંધ લીધી અને વિદ્યાર્થી હિતને કેન્દ્રમાં રાખીને આખી સિસ્ટમ સુધારવા કમર કસી છે.
ગુજરાત સહિત દેશવ્યાપી અસર: નિયમો બનશે વધુ કડક
આ કેસનો અંતિમ નિર્ણય સમગ્ર દેશની ખાનગી યુનિવર્સિટી વ્યવસ્થાને અસર કરશે. વિદ્યાર્થીઓને માર્કશીટ, ડિગ્રી, ટ્રાન્સક્રિપ્ટ કે માઈગ્રેશન સર્ટીફીકેટ માટે અનાવશ્યક મુશ્કેલીઓ ન પડે તે માટે કડક સમયમર્યાદા નક્કી થઈ શકે છે. ફી માળખામાં પારદર્શિતા, (યુ જી સી) ઓમ્બુડ્સમેન વ્યવસ્થા અને નાણાકીય પારદર્શિતા ફરજિયાત બનશે. ગુજરાતના સંદર્ભમાં પણ રાજ્યની તમામ ખાનગી યુનિવર્સિટીઓ પર તેની મોટી અસર પડશે અને નિયંત્રણો વધુ કડક બનવાની પૂરી શક્યતા છે.
યુનિવર્સિટી સંચાલકોમાં દોડધામ: ૩૦ જૂને ઈપીએસઆઇ ની મહત્વપૂર્ણ બેઠક
સુપ્રીમ કોર્ટની આ કડક કાર્યવાહીથી ખાનગી યુનિવર્સિટીઓમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે દેશની તમામ ખાનગી યુનિવર્સિટી અને ડીમ્ડ યુનિવર્સિટીઓની એપેક્સ બોડી (સર્વોચ્ચ સંસ્થા) 'ઈપીએસઆઇ' દ્વારા સુપ્રીમ કોર્ટના આ આદેશને કારણે જે વ્યાપક આડઅસરો ઊભી થશે તેના સૂચિતાર્થો પર ચર્ચા કરવા માટે એક મોટી હિલચાલ શરૂ કરવામાં આવી છે. આગામી ૩૦ જૂન મંગળવારના રોજ દેશભરની આવી યુનિવર્સિટીઓના મેનેજમેન્ટની એક અત્યંત મહત્વપૂર્ણ અને તાકીદની મીટિંગ મળનારી છે, જેમાં આગળની વ્યૂહરચના નક્કી કરવામાં આવશે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
