<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી મામલે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ: ઉપલબ્ધ ભંડોળ નિષ્ક્રિય ન રાખવા કેન્દ્રને ટકોર

નવી આધુનિકીકરણ યોજના આવે ત્યાં સુધી જૂના ભંડોળથી ખામીઓ દૂર કરવા નિર્દેશ, બે અઠવાડિયામાં જવાબ માંગ્યો

નવી દિલ્હી : દેશભરના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરાના અભાવ અને માળખાકીય ખામીઓ અંગે સુઓ મોટો કેસની સુનાવણી હાથ ધરતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની બેન્ચે ગુરુવારે કેન્દ્ર સરકારને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જ્યાં સુધી નવી પોલીસ આધુનિકીકરણ યોજના (PMM) અમલમાં ન આવે, ત્યાં સુધી હાલની આધુનિકીકરણ (ASUMP) યોજના હેઠળ ઉપલબ્ધ ભંડોળને નિષ્ક્રિય રહેવા ન દેવાય અને તેનો ત્વરિત ઉપયોગ પોલીસ સ્ટેશનોની સીસીટીવી વ્યવસ્થાઓ સુધારવા માટે કરવામાં આવે.
આ સુનાવણી દરમિયાન એમિકસ ક્યુરી સિનિયર એડવોકેટ સિદ્ધાર્થ દવેએ કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે હાલની ASUMP યોજના ૩૧ માર્ચ, ૨૦૨૭ સુધી જ ચાલુ છે અને કેન્દ્ર સરકાર ૨૪,૦૦૦ કરોડના ખર્ચે નવી 'પોલીસ આધુનિકીકરણ મિશન' (PMM) યોજના લાવી રહી છે, ત્યારે જૂની યોજના પૂરી થતાં ભંડોળ અટકી ન જાય તે માટે બંને યોજનાઓ વચ્ચે સાતત્ય હોવું જરૂરી છે, જેના પર ન્યાયાધીશ મહેતાએ કેન્દ્રના વકીલ અને ASG રાજા ઠાકરેને કડક શબ્દોમાં ટકોર કરી હતી કે જો ભંડોળ પહેલેથી જ ઉપલબ્ધ છે તો તેને એળે કેમ જવા દેવું જોઈએ?
કોર્ટે ઝારખંડ સરકાર દ્વારા સેન્ટ્રલાઇઝ્ડ ડેશબોર્ડ અને સીસીટીવી માટે મોકલવામાં આવેલા આશરે ₹૧૧૨.૫૦ કરોડના પ્રસ્તાવને BPR&D ધોરણોના અભાવે અટકાવી રાખવાના મુદ્દે પણ ચર્ચા કરી હતી, અને સ્પષ્ટ કર્યું હતું કે નવી યોજનાની રાહ જોયા વગર હાલના ઉપલબ્ધ બજેટમાંથી જ રાજ્યોની જરૂરિયાતો મુજબ સીસીટીવી માળખાની ખામીઓને આડેધડ સમય બગાડ્યા વગર તુરંત દૂર કરવામાં આવે.
ભૂતકાળમાં પોલીસ કસ્ટડી અને સ્ટેશનોમાં પારદર્શિતા જાળવવા માટે સર્વોચ્ચ અદાલતે તમામ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી ફરજિયાત બનાવ્યા હતા, પરંતુ અમલીકરણમાં વિલંબ અને બજેટના પ્રશ્નોને કારણે આવનારી સુનાવણીમાં કેન્દ્ર સરકાર તરફથી બે અઠવાડિયામાં વધુ સૂચનાઓ અને સ્પષ્ટ સોગંદનામું રજૂ કરવામાં આવશે, જેના આધારે આગામી પગલાં લેવામાં આવશે.

(1:29 PM IST)