<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

દક્ષિણ ભારતના વિકાસ મોડેલ વચ્ચે આશ્ચર્યજનક વિરોધાભાસ: FDI, ફેક્ટરીઓ અને માથાદીઠ આવકમાં મોખરે, છતાં બેરોજગારી દર રાષ્ટ્રીય સરેરાશથી ઊંચો!

તમિલનાડુ અને કર્ણાટકમાં ઉદ્યોગોનો ધમધમાટ અને રેકોર્ડ વિદેશી રોકાણ છતાં તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં રોજગારીનું ગંભીર સંકટ : વ્યવહારુ કૌશલ્યના અભાવે ૮૦% યુવાનો નોકરીઓથી વંચિત રહેતા હોવાનો નીતિ આયોગનો ચોંકાવનારો ખુલાસો

હૈદરાબાદ :   દક્ષિણ ભારતનો આર્થિક વિકાસ અને ઔદ્યોગિક પ્રગતિ સમગ્ર દેશ માટે એક મિસાલ ગણાય છે, પરંતુ તાજેતરમાં સામે આવેલા બેરોજગારીના આંકડાઓએ એક અત્યંત વિરોધાભાસી અને આશ્ચર્યજનક ચિત્ર રજૂ કર્યું છે. ઉદ્યોગોનો વિસ્તાર, જીડીપી ગ્રોથ અને માથાદીઠ આવકની દ્રષ્ટિએ તમિલનાડુ, તેલંગાણા અને કર્ણાટક જેવા રાજ્યો ઉત્તર તથા પૂર્વ ભારત કરતા ખૂબ આગળ છે. આમ છતાં, આર્થિક સમૃદ્ધિ ધરાવતા આ જ દક્ષિણ રાજ્યોમાં બેરોજગારીનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા નોંધપાત્ર રીતે ઊંચો જોવા મળી રહ્યો છે, જેણે અર્થશાસ્ત્રીઓ અને નીતિ ઘડવૈયાઓને પણ વિચારતા કરી મૂક્યા છે.

ભારત સરકારના આંકડા અનુસાર વર્ષ ૨૦૨૬ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રાષ્ટ્રીય બેરોજગારી દર ૫.૪ ટકા અને જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ૫.૨ ટકા નોંધાયો હતો, જેની સરખામણીએ તેલંગાણા અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં સ્થિતિ વધુ ગંભીર છે. આશ્ચર્યની વાત એ છે કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના અહેવાલ મુજબ દેશભરમાં નોંધાયેલી ૨.૬૭ લાખ ફેક્ટરીઓમાંથી સૌથી વધુ ૪૧,૦૦૦ થી વધુ ફેક્ટરીઓ એકલા તમિલનાડુમાં આવેલી છે. વધુમાં, વિગતવાર ડેટા દર્શાવે છે કે છેલ્લા ૨૬ વર્ષોમાં દેશમાં આવેલા કુલ ₹૫૪.૭૨ લાખ કરોડના વિદેશી સીધા રોકાણ (FDI) માંથી ૮૫% હિસ્સો માત્ર પાંચ રાજ્યો—મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ અને દિલ્હી—માં જ આવ્યો છે, છતાં અહીં નોકરીઓની અછત વર્તાઈ રહી છે.

આ અસામાન્ય વિરોધાભાસ પાછળનું મુખ્ય કારણ યુવાનોમાં યોગ્ય 'કૌશલ્યનો અભાવ'  હોવાનું સામે આવ્યું છે. નીતિ આયોગના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે દેશના આશરે ૮૦% વિદ્યાર્થીઓ કે ગ્રેજ્યુએટ્સ માત્ર પુસ્તકીય જ્ઞાન ધરાવે છે પરંતુ તેમની પાસે વ્યવહારુ કૌશલ્ય  અને ઉદ્યોગોને અનુરૂપ ઇન્ટર્નશિપનો પ્રત્યક્ષ અનુભવ નથી. પરિણામે, એક તરફ આધુનિક કંપનીઓ અને મલ્ટીનેશનલ કોર્પોરેશનો મોટી સંખ્યામાં આ રાજ્યોમાં આવી રહી છે, પરંતુ બીજી તરફ યોગ્ય અને કુશળ માનવબળ ન મળવાના કારણે તેઓ સ્થાનિક યુવાનોને નોકરી પર રાખવામાં સંકોચ અનુભવી રહી છે, જેના કારણે આર્થિક વિકાસ છતાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જળવાઈ રહ્યું છે.

(8:51 PM IST)