<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

સસ્પેન્સનો ડ્રામા: નિર્મલા સીતારમણનો રશિયા પ્રવાસ કેમ રદ થયો? લવરોવે પીએમ મોદીના કર્યા વખાણ!

ન્યૂ ડેવલપમેન્ટ બેંકની મહત્વની બેઠક પહેલા નાણામંત્રીના પ્રવાસ પર લાગી બ્રેક: મોસ્કો અને દિલ્હી વચ્ચેના રાજદ્વારી ગલિયારાઓમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ : રશિયન વિદેશ મંત્રીએ 'ઉર્જા કટોકટી' વચ્ચે ભારતને આપી સૌથી મોટી ગેરંટી

 મોસ્કો : વૈશ્વિક અર્થતંત્રના માહોલમાં ત્યારે સન્નાટો છવાઈ ગયો જ્યારે ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણનો રશિયા પ્રવાસ અચાનક અને રહસ્યમય રીતે રદ કરવામાં આવ્યો. તેઓ ન્યૂ ડેવલપમેન્ટ બેંક  ની એક અત્યંત નિર્ણાયક બેઠકમાં ભાગ લેવા મોસ્કો જઈ રહ્યા હતા, પરંતુ છેલ્લી ઘડીએ આ પ્રવાસ મુલતવી રાખતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. સત્તાવાર રીતે સરકાર તરફથી કોઈ ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ રાજકીય નિષ્ણાતો તેને વર્તમાન ભૌગોલિક-રાજકીય તણાવ અને પશ્ચિમી દેશોના દબાણ સાથે જોડીને જોઈ રહ્યા છે. જોકે, આ રદ થયેલા પ્રવાસે ભારત અને રશિયાના ગાઢ આર્થિક સંબંધો પર પ્રશ્નાર્થચિહ્નો ઊભા કર્યા છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે.

આ પ્રવાસ ભલે રદ થયો હોય, પરંતુ રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લવરોવે ભારતના પક્ષમાં જે બેટિંગ કરી છે તેણે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. લવરોવે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું કે દુનિયાના ગમે તે દેશો રશિયા પર પ્રતિબંધો લાદે, પણ ભારતને મળતો ઉર્જા પુરવઠો ક્યારેય નહીં અટકે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ ક્ષમતાને સલામ કરતા તેમને 'વિશ્વના સૌથી ઉર્જાવાન નેતા' ગણાવ્યા. લવરોવના મતે, ભારત અને રશિયા વચ્ચેનો સંબંધ માત્ર વ્યાપારિક નથી, પરંતુ તે અતૂટ વિશ્વાસ અને સાંસ્કૃતિક મિત્રતાના મજબૂત પાયા પર ટકેલો છે, જે કોઈપણ બાહ્ય દબાણથી ડગશે નહીં.

આ મિત્રતાનું સૌથી મોટું જીવંત ઉદાહરણ તમિલનાડુનો કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. રશિયાના સહયોગથી બની રહેલો આ પ્લાન્ટ ૨૦૨૭ સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે, જે ભારતની ઉર્જા જરૂરિયાતો માટે ગેમ-ચેન્જર સાબિત થવાનો છે. લવરોવે ભાર મૂક્યો કે ભારતની સાર્વભૌમત્વ અને તેના વિકાસના લક્ષ્યોમાં રશિયા હંમેશા અડગ સાથી તરીકે ઉભું રહેશે. ભલે નાણામંત્રીનો પ્રવાસ હાલ પૂરતો અટક્યો હોય, પણ રશિયા તરફથી મળેલી તેલ, ગેસ અને પરમાણુ ઉર્જાની આ 'મિત્રતાની ગેરંટી' ભારત માટે અત્યંત કપરા સમયમાં સંજીવની સમાન સાબિત થઈ શકે છે.

(7:45 PM IST)