News of Friday, 8th May 2026
સુવેન્દુ અધિકારીના પીએ રથની ઘાતકી હત્યાનો પર્દાફાશ: પ્રોફેશનલ શૂટરો દ્વારા રેકી કરીને આયોજનબદ્ધ રીતે અપાયો અંજામ

કોલકોત્તા:પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવનાર ભાજપના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારીના અંગત મદદનીશ ચંદ્રનાથ રથની હત્યા કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની તપાસમાં અત્યંત ચોંકાવનારા ખુલાસાઓ થયા છે.
આ હત્યા કોઈ સામાન્ય ગુનો કે અકસ્માત ન હતો, પરંતુ એક સુનિયોજિત અને રાજકીય ષડયંત્રનો ભાગ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તપાસ એજન્સીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચંદ્રનાથ રથને રસ્તા પરથી હટાવવા માટે ખાસ પ્રોફેશનલ કિલરોને સોપારી આપવામાં આવી હતી. આ શૂટરોએ હત્યાને અંજામ આપતા પહેલા ઘણા દિવસો સુધી રથની દિનચર્યા અને તેમના આવવા-જવાની વિસ્તૃત રેકી કરી હતી.
બનાવના દિવસે જ્યારે ચંદ્રનાથ પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે પહેલાથી જ ગોઠવાયેલા પ્લાન મુજબ શૂટરોએ તેમની કારને આંતરીને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. કારના કાચ તોડીને નજીકથી ગોળીઓ ધરબી દેવામાં આવી હોવાના પુરાવા પણ ફોરેન્સિક ટીમને મળ્યા છે.
આ હાઈ-પ્રોફાઈલ હત્યા કેસને કારણે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મોટા સવાલો ઉભા થયા છે. એસઆઈટી હવે આ હત્યા પાછળના મુખ્ય માસ્ટરમાઈન્ડ અને રાજકીય ઈરાદાઓને શોધવા માટે સીસીટીવી ફૂટેજ, કોલ રેકોર્ડ્સ અને અન્ય ગુપ્ત માહિતીઓના આધારે સઘન તપાસ ચલાવી રહી છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
