<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

સ્‍વચ્‍છતા અભિયાનઃ સરકારે ભંગારમાંથી રૂ. ૫૦૦ કરોડની કમાણી કરી

કેન્‍દ્ર સરકારના વિશેષ સ્‍વચ્‍છતા અભિયાન ૬.૦ હેઠળ દેશભરમાં ૮,૩૪,૫૦૯ સ્‍થળોએ સફાઈ અભિયાન હાથ ધરાયું : ૧૯ ઓક્‍ટોબર સુધીમાં ભંગારના નિકાલથી રૂા.૪૯૧.૨૮ કરોડની આવક થઈ છે. રેલવે મંત્રાલયે રૂા.૪૨૫.૦૬ કરોડની આવક મેળવી છે. ૨ ઓક્‍ટોબરથી શરૂ થયેલું આ અભિયાન ૩૧ ઓક્‍ટોબરે પૂર્ણ થશે

નવી દિલ્‍હી  તા.૨૦: કેન્‍દ્ર સરકારના વિશેષ સ્‍વચ્‍છતા અભિયાન ૬.૦ હેઠળ ભંગારના નિકાલમાંથી રૂ. ૪૯૧.૨૮ કરોડની આવક થઈ છે. કેન્‍દ્રીય રાજ્‍યમંત્રી જિતેન્‍દ્ર સિહે સોમવારે આ માહિતી આપતાં જણાવ્‍યું હતું કે ૧૯ ઓક્‍ટોબર સુધીમાં દેશભરમાં ૮,૩૪,૫૦૯ સ્‍થળોએ સફાઈ અભિયાન હાથ ધરાયું છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં આ આંકડો ૨,૭૫,૪૩૨ હતો. મંત્રીએ જણાવ્‍યું કે ગયા વર્ષે સમાન સમયગાળામાં ભંગારના નિકાલથી રૂ. ૩૦૪.૭૨ કરોડની આવક થઈ હતી. આ વર્ષે આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. અભિયાન હેઠળ અત્‍યાર સુધીમાં ૧૧૬ લાખ ચોરસ ફૂટ જગ્‍યા પણ ખાલી કરાવવામાં આવી છે, જેનો ઉત્‍પાદક ઉપયોગ કરી શકાશે.

કાર્મિક મંત્રાલયના જણાવ્‍યા અનુસાર, રેલવે મંત્રાલયે ભંગારના નિકાલમાંથી રૂ. ૪૨૫.૦૬ કરોડની આવક મેળવી છે. જ્‍યારે શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે ૪,૧૫,૩૫૩ સ્‍થળોએ સફાઈ અભિયાન હાથ ધર્યું છે.

૨ ઓક્‍ટોબરથી શરૂ થયેલું આ અભિયાન ૩૧ ઓક્‍ટોબરે પૂર્ણ થશે. તેમાં જૂની ફાઇલો અને ઇલેક્‍ટ્રોનિક કચરાના નિકાલ ઉપરાંત પડતર અરજીઓ અને જાહેર ફરિયાદોનો નિકાલ, કચેરીની જગ્‍યાનો વધુ સારો ઉપયોગ તથા ઈ-વેસ્‍ટના વૈજ્ઞાનિક વ્‍યવસ્‍થાપન પર ભાર મૂકવામાં આવ્‍યો છે. જિતેન્‍દ્ર સિહે તમામ મંત્રાલયો અને વિભાગોને અભિયાનમાં વધુ સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરી હતી. તેમણે કચરાના પુનઃઉપયોગ, રિસાયક્‍લિંગ અને પર્યાવરણને અનુકૂળ વ્‍યવસ્‍થાપન અંગે જનજાગૃતિ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્‍યો હતો.

(10:21 AM IST)