<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

તમારી દવાના બોક્સ પર એકવાર જરૂર નજર કરી લેજો! કેન્દ્ર સરકારે 16 જોખમી દવાઓના સંયોજન પર મૂક્યો કડક પ્રતિબંધ

અસુરક્ષિત અને અતાર્કિક દવાઓ સામે સરકારની લાલ આંખ: ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ લેવાયો મોટો નિર્ણય, જાહેર આરોગ્યની સુરક્ષા માટે કડક અમલવારી

 નવી દિલ્હી:ભારતીય ફાર્મા માર્કેટમાં વેચાતી દવાઓની ગુણવત્તા અને સુરક્ષાને લઈને કેન્દ્ર સરકારે એક મોટું અને નિર્ણાયક પગલું ભર્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશભરમાં 16 'ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન' (FDC) દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એ છે કે આ દવાઓ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ 'અતાર્કિક' છે અને લાંબા ગાળે દર્દીઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે તેમ છે.

શું છે આ 'અતાર્કિક' દવાઓ અને શા માટે પ્રતિબંધ?

ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન એટલે એવી દવાઓ જેમાં એકસાથે બે કે તેથી વધુ ઘટકો હોય છે. સામાન્ય રીતે આ દવાઓ દર્દીની સગવડ માટે બનાવવામાં આવે છે, પરંતુ સરકારની તપાસમાં જાણવા મળ્યું કે આ 16 સંયોજનો એવા છે જેનો કોઈ ચોક્કસ તબીબી ફાયદો જણાતો નથી, ઉલટું તે દર્દી માટે જોખમ ઊભું કરે છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ 'ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ' (DTAB) દ્વારા નિષ્ણાતોની સમિતિ બનાવીને આ દવાઓની વૈજ્ઞાનિક સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં આ ફોર્મ્યુલેશન અતાર્કિક અને સ્વાસ્થ્ય માટે જોખમી હોવાનું સાબિત થયું હતું.

કઈ દવાઓ પર છે પ્રતિબંધ?

આ પ્રતિબંધિત યાદીમાં ઘણી સામાન્ય રીતે વેચાતી દવાઓનો સમાવેશ થાય છે, જેમ કે:

·         એન્ટિબાયોટિક્સ: એમોક્સિસિલિન, સેફાડ્રોક્સિલ અને સેફ્યુરોક્સાઇમ સાથે સેરાટીયોપેપ્ટિડેઝ કે લેક્ટોબેસિલસ ધરાવતા સંયોજનો.

·         દવાઓનું મિશ્રણ: ડાયસાયક્લોમાઇન, પેરાસીટામોલ અને ક્લિડીનિયમ બ્રોમાઇડ જેવા ઘટકો વાળી દવાઓ.

·         ત્વચારોગની દવાઓ: એલોવેરા સાથે વિટામિન E, જોજોબા ઓઈલ, ટી-ટ્રી ઓઈલ અને અન્ય તેલોનું મિશ્રણ ધરાવતી ત્વચાની ઘણી ક્રીમ અને લોશન.

રાજ્ય સરકારોને કડક સૂચના

કેન્દ્ર સરકારે તમામ રાજ્યના ડ્રગ કંટ્રોલર્સ અને અમલીકરણ એજન્સીઓને આ આદેશનું ચુસ્તપણે પાલન કરાવવા સૂચના આપી છે. દવા ઉત્પાદકો, આયાતકારો અને વિતરકોને પણ કાયદા મુજબ જરૂરી સુધારાત્મક પગલાં લેવા તાકીદ કરવામાં આવી છે. મંત્રાલયનું કહેવું છે કે, દર્દીઓની સલામતી સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં અને માત્ર વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી અસરકારક દવાઓ જ બજારમાં મળવી જોઈએ.

તમારા ઘરમાં રાખેલી દવાની કિટમાં આ પ્રકારના કોઈ સંયોજન છે કે કેમ, તે એકવાર તપાસી લેવું જરૂરી છે.

(8:49 PM IST)